
શ્રીનગરઃ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે 11.20 વાગ્યે મોટો વિસ્ફોટ થયો હતો. તપાસ અધિકારીઓના મતે આ કોઈ આતંકી હુમલો નથી, પરંતુ ફોરેન્સિક તપાસ વખતે થયેલી મોટી ભૂલ હતી. જોકે ફરિદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટક સામગ્રીની તપાસ કરવામાં આવી રહી હતી, જેમાં વિવિધ કેમિકલ્સના મિશ્રણને કારણે અચાનક વિસ્ફોટ થયો અને આ દુર્ઘટના બની.
ફોરેન્સિક ટીમ દ્વારા તપાસમાં એસિટોફેનોન, હાઈડ્રોજન પેરોક્સાઈડ અને સલ્ફ્યુરિક એસિડ જેવા કેમિકલ્સનો સમાવેશ હતો. આ કેમિકલ્સના મિશ્રણની તપાસ વખતે લાઈટ વધારવામાં આવી, જેના કારણે કેમિકલ પ્રતિક્રિયા થઈ જે બાદ તેમાંથી મોટો વિસ્ફોટ થયો હતો. એસિટોફેનોન એક સામાન્ય ઔદ્યોગિક રસાયણ છે, પરંતુ તે એસિટોન પેરોક્સાઈડ જેવા અત્યંત સંવેદનશીલ અને જોખમી વિસ્ફોટકના નિર્માણમાં મુખ્ય કાચા માલ તરીકે વપરાય છે, જે વિશ્વના સૌથી ખતરનાક વિસ્ફોટકોમાંનું એક છે.
આ પણ વાંચો : J&K: શ્રીનગરમાં સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ એટેક, 12 નાગરિક જખમી
સલ્ફ્યુરિક એસિડ અને અન્ય કેમિકલ્સના ધુમાડાએ આ અસ્થિરતાને વધુ વધારી દીધી અને વિસ્ફોટની ભયાનક સ્થિતિ ઊભી કરી હતી. પોલીસ સ્ટેશનમાં કુલ 360 કિલો કેમિકલ્સ જપ્ત કરાયો હતો, જેમાં એમોનિયમ નાઈટ્રેટ, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો પણ સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત અને સંયુક્ત સચિવ (કાશ્મીર) પ્રશાંત લોખંડેએ આને દુર્ઘટના ગણાવી છે અને કહ્યું છે કે ફોરેન્સિક ટીમ અત્યંત સાવધાની રાખી રહી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટના કેમકલ ટેસ્ટિંગ દરમિયાન બની હતી. તપાસનું નેતૃત્વ શ્રીનગરના એસએસપી ડો. જીવી સંદીપ ચક્રવર્તી કરી રહ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીર: આતંકવાદી સાથે કથિત સંબંધોના આરોપસર પોલીસ અધિકારીની ધરપકડ
આ દુર્ઘટના વ્હાઈટ કોલર આતંકી મોડ્યુલ સાથે જોડાયેલી હોવાની શક્યતા છે, જેને શ્રીનગર પોલીસે ઓક્ટોબરમાં પકડ્યું હતું. નૌગામમાં લગાવાયેલા પોસ્ટરોની તપાસથી આ મોડ્યુલનો ખુલાસો થયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે આરિફ નિસાર ડાર ઉર્ફે સાહિલ, યાસિર-ઉલ-અશરફ અને મક્સૂદ અહમદ ડાર ઉર્ફે શાહિદની ધરપકડ કરાઈ.
પૂછપરછમાં જાણવા મળ્યું કે પોસ્ટરો પાછળ મૌલવી ઈરફાન અહમદનો હાથ છે, જેણે ડોક્ટરોને કટ્ટરપંથી માર્ગ બતાવ્યો અને પોસ્ટરો પૂરા પાડ્યા. ત્યારબાદ પોલીસ ફરીદાબાદ પહોંચી અને અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ડો. મુઝફ્ફર ગની અને ડો. શાહીન સઈદને પકડ્યા.
આ પણ વાંચો : દિલ્લી બાદ હવે શ્રીનગરમાં બ્લાસ્ટ, નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટથી 9નાં મૃત્યું; 300 ફૂટ દૂર ફંગોળાયા માનવ અંગો
તપાસકર્તાઓના મતે ડો. ગની, ઉમર નબી અને મુઝફ્ફર રાથરની ત્રિપુટી આ મોડ્યુલ ચલાવી રહી હતી, જેમાંથી ઉમર નબીએ લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પોલીસની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેઓએ વ્હાઈટ કોલર આતંકી મોડ્યુલનો અંત લાવીને દેશમાં અનેક આતંકી ઘટનાઓને અટકાવી છે.
તેમણે વિસ્ફોટના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી અને મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમના મતે આમાં કોઈ આતંકી ષડયંત્ર કે બાહ્ય હસ્તક્ષેપ નથી, પરંતુ જપ્ત સામગ્રીના નમૂના લેવા દરમિયાન થયેલી દુર્ઘટના છે, જેમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓના જીવ ગયા હતા.



