શ્રીનગર બ્લાસ્ટ એક આકસ્મિક વિસ્ફોટ હતો? જમ્મુ અને કાશ્મીરના DGP નલિન પ્રભાતે આપી વિગતો

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં એક બ્લાસ્ટ થયો તે મામલે DGP નલિન પ્રભાતનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. ગઈ કાલ રાતે થયેલા શ્રીનગર બ્લાસ્ટ અંગે DGP નલિન પ્રભાતે કહ્યું કે, આ બ્લાસ્ટ માત્ર એક આકસ્મિક વિસ્ફોટ હતો. જો કે, આ આકસ્મિક વિસ્ફોટમાં 9 લોકોનો જીવ ગયો છે. આખરે કેવી રીતે આ આકસ્મિક વિસ્ફોટ થયો તે મામલે પણ DGP નલિન પ્રભાતે નિવેદન આપતા સ્પષ્ટતા કરી છે.
આ આકસ્મિક વિસ્ફોટમાં 9 લોકોનો જીવ ગયો
DGP નલિન પ્રભાતના કહ્યાં પ્રમાણે નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલો બ્લાસ્ટ એક આકસ્મિક વિસ્ફોટ છે, બીજું કઈ નહીં. આ એક દુર્ભાગ્યશાળી દુર્ઘટના હતી. જે એક ભૂલના કારણે થઈ છે, જેની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુમાં ડીજીપી નલિન પ્રભાતે જણાવ્યું કે, ફરીદાબાદમાંથી મળેલ 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ ખુલ્લામાં સંગ્રહિત કરવામાં આવ્યું હતું અને બે દિવસથી તેનું નમૂના લેવામાં આવી રહ્યાં હતાં. તે દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. આમાં નવ લોકોના મોત થયાં છે, જ્યારે લગભગ 30 લોકો ઘાયલ થયા છે અને ઘણા વાહનો બળીને ખાખ થઈ ગયાં છે.
બે દિવસથી FSL ટીમ આ નમૂના લેવાની કામગીરી કરી રહી હતી
ફરીદાબાદમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થો, રસાયણો અને રિએજન્ટ્સ પણ મળી આવ્યા હતા. આ મળી આવેલા પદાર્થોના નમૂનાઓ વધુ ફોરેન્સિક અને રાસાયણિક તપાસ માટે મોકલવાના હતા. જથ્થો ઘણો મોટો હોવાથી, FSL ટીમ દ્વારા આ પ્રક્રિયા પાછલા બે દિવસથી એટલે કે ગઈકાલ અને પરમ દિવસે ચાલી રહી હતી. આ પદાર્થોના અસ્થિર અને સંવેદનશીલ સ્વભાવને કારણે નમૂના લેવાની અને સંભાળવાની પ્રક્રિયા FSL ટીમ દ્વારા અત્યંત સાવધાનીપૂર્વક કરવામાં આવી રહી હતી. જો કે, કમનસીબે, આ કાર્યવાહી દરમિયાન, ગઈકાલે રાત્રે લગભગ 11.20 વાગ્યે એક આકસ્મિક વિસ્ફોટ થયો હતો.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે
આ વિસ્ફોટમાં સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો એક કર્મચારી, FSL ટીમના ત્રણ કર્મચારીઓ, ક્રાઇમ સીનના બે ફોટોગ્રાફર્સ, બે રેવન્યુ અધિકારીઓ (જેઓ મૂળભૂત રીતે મેજિસ્ટ્રેટની ટીમનો ભાગ હતા), ટીમ સાથે સંકળાયેલા એક દરજી સહિત નવ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે 27 પોલીસ કર્મચારીઓ, બે રેવન્યુ અધિકારીઓ અને આસપાસના વિસ્તારોના ત્રણ નાગરિકોને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, અત્યારે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.



