અમેરિકા-ભારત તણાવમાં શ્રીલંકાની એન્ટ્રી: જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે ભારતે મદદ કરી હતી!

અમેરિકા અને ભારત વચ્ચે વેપારી તણાવ વધી રહ્યો છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે. આ વચ્ચે શ્રીલંકાના સાંસદમાં ભારત અમેરિકાની વેપાર ડીલ પર ચર્ચા દરમિયાન ત્યાંના સાંસદ હર્ષા ડી સિલ્વાએ ભારતની તરફેણ કરી છે.
તેણે શ્રીલંકાના આર્થિક સંકટ વખતે ભારતની મદદને યાદ કરીને સંસદને આ તણાવને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે. આ વાતચીત વૈશ્વિક વેપાર અને મિત્રતાના સંબંધોને પ્રતિબિંબિત કરે છે.
શ્રીલંકાના સાંસદ હર્ષા ડી સિલ્વાએ 11 ઓગસ્ટ, 2025ના રોજ તેમની સંસદમાં અમેરિકા અને ભારત વચ્ચેના તણાવ પર વાત કરી. તેણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપારી પગલાને અનુચિત અને પસંદગીયુક્ત ગણાવ્યા અને ભારતના વિરોધનું સમર્થન કર્યું. એક અહેવાલ અનુસાર, તેમણે કહ્યું, “ભારત પર હસશો નહીં.
જ્યારે તેઓ મુશ્કેલીમાં હોય ત્યારે તેમની મજાક ન ઉડાવો, કારણ કે જ્યારે આપણે મુશ્કેલીમાં હતા ત્યારે તેણે જ આપણી મદદ કરી હતી.” તેણે વધુમાં કહ્યું કે રમત હજુ પૂરી થઈ નથી અને ભારતને ટેરિફમાં 15 ટકાના ઘટાડાની આશા છે.
2022માં શ્રીલંકાનું આર્થિક સંકટ
વર્ષ 2022માં શ્રીલંકાની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. ઇંધણના સ્ટેશનો ખાલી થઈ ગયા, ખાદ્ય અને દવાઓની સપ્લાય ઘટી અને વિદેશી અનામતો સમાપ્ત થઈ ગઈ હતી. આ મુશ્કેલ સમયમાં ભારત કોલંબોનો સૌથી મોટો સમર્થક બન્યો.
ભારતે ચાર અબજ અમેરિકી ડોલરથી વધુની ક્રેડિટ લાઇન, કરન્સી સ્વેપ અને લોનના હપ્તા મોકૂફ કરવા સાથે માનવીય સહાયના અનેક પેકેજ પણ પૂરા પાડ્યા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 6 ઓગસ્ટ, 2025ના રોજ ભારત દ્વારા રશિયન તેલના આયાતને કારણે ભારતીય વસ્તુઓ પર 25 ટકાનો વધારાની ટેરિફ લગાવી હતી, જેથી કુલ ટેરિફ 50 ટકા થઈ. આ પગલું વૈશ્વિક વેપારમાં તણાવ વધારે છે.
સાંસદ હર્ષા ડી સિલ્વાએ આને લઈને શ્રીલંકાની સંસદને ચેતવણી આપી કે આના પરિણામોને હળવાશથી ન લેવા જોઈએ, કારણ કે ભારતે જ શ્રીલંકાને સંકટમાં મદદ કરી હતી..
આ પણ વાંચો…અમદાવાદમાં વસેલા છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, જાણો વિગત