હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે! ચોમાસુ સત્રમાં રજુ થશે મહત્વનું બિલ, જાણો કેમ છે ખાસ

નવી દિલ્હી: સંસદનું ચોમાસું સત્ર 21મી જુલાઈથી શરુ થવાનું છે, જે એક મહિના સુધી ચાલશે, આ સત્ર દરમિયાન ઘણા મહત્વના બિલ ગૃહમાં રજુ કરવામાં (Parliament Monsoon Session) આવશે. આ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ (National Sports Governance Bill) પણ ચર્ચા માટે ગૃહમાં રજુ કરવાની તૈયારી કરી રહી છે, દેશભરના સ્પોર્ટ્સ ફેડરેશન્સના વહીવટમાં પારદર્શિતા અને નાણાકીય વ્યવહાર સ્પષ્ટ બનાવવાના હેતુ સાથે આ બિલ રજુ કરવામાં આવશે.
અહેવાલ મુજબ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલમાં પ્રથમ વખત સ્પોર્ટ્સ રેગ્યુલેટરી સંસ્થાની રચના કરવાની જોગવાઈ હશે, જે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સ્પોર્ટ્સ ફેડરેશન્સની કાર્યપ્રણાલી પર નજર રાખશે. આ બિલનો ઉદ્દેશ એક સ્વતંત્ર સ્પોર્ટ્સ રેગ્યુલેટરની નિમણુક કરવાનો અને તમામ સ્પોર્ટ્સ ફેડરેશનોને રાઈટ ટૂ ઇન્ફોર્મેશન (RTI) કાયદાના અધિકારક્ષેત્રમાં લાવવાનો છે. આ બિલમાં એથ્લેટ્સ કમિશન અને એપેલેટ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલ બનાવવાની જોગવાઈ છે.
મંગળવારે, કેન્દ્ર સરકારે નવી ખેલો ઇન્ડિયા નીતિ 2025 ને મંજૂરી આપી હતી, જેમાં સ્પોર્ટ્સ ફેડરેશનોના શાસન માટે એક વૈધાનિક માળખું બનાવવાનો ઉલ્લેખ છે. આ નીતિ હેઠળ, રમતગમત મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત બિલ હવે સંસદમાં રજૂ કરવામાં આવશે.
અગાઉ પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં:
અગાઉ પણ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેશનમાં સુધારા કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતાં. યુપીએ-2 સરકાર દરમિયાન, તત્કાલીન રમતગમત પ્રધાન અજય માકને પણ આ પ્રકારનું બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સ્પોર્ટ્સ ફેડરેશનમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની વાત કરવામાં આવી હતી. જોકે, તે સમયે રાજકીય વિરોધને કારણે, બિલ સંસદના ગૃહમાં રજુ થઇ શક્યું ન હતું.
સ્પોર્ટ્સ ફેડરેશન્સ પર નિયંત્રણોની જરૂર કેમ?
છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા સ્પોર્ટ્સ ફેડરેશન્સ પર ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને પારદર્શિતાના અભાવના આરોપ લાગ્યા હતાં. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા(WFI)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓનો મુદ્દો ખુબ ચર્ચાયો હતો. આ ઉપરાંત અન્ય ઘણા ફેડરેશન્સમાં ભ્રષ્ટાચાર અને લાગવગના આરોપ લાગ્યા હતાં.
કેન્દ્ર સરકારના આ પગલાને આ સમસ્યાઓના ઉકેલ અને સ્પોર્ટ્સ ફેડરેશન્સ વધુ પ્રોફેશનલ અને જવાબદાર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.