
નવી દિલ્હી: દેશના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગ જૂથ ટાટા સાથે જોડાયેલા ટાટા ટ્રસ્ટના બોર્ડરૂમમાં મતભેદો ઉભા થતા હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે. બોર્ડના ચાર ટ્રસ્ટીઓએ અને ચેરમેન નોએલ ટાટાના વચ્ચે વિખવાદ ઉભો થયો છે. આ મતભેદ ઉકેલવા માટે કેન્દ્ર સરકારને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. અહેવાલ મુજબ સરકારે ટાટા ગ્રુપને કહ્યું છે કે ટ્રસ્ટમાં સ્થિરતા ફરી સ્થાપવા માટે જે કંઈ પણ કરવું પડે તે એ કરવામાં આવે.
એક અખબારી અહેવાલ મુજબ મંગળવારે રાત્રે નવી દિલ્હીમાં ટાટા ગ્રુપના ચાર પદાધિકારીઓ અધિકારીઓએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે બેઠક કરી હતી. અહેવાલ મુજબ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, વાઇસ-ચેરમેન વેણુ શ્રીનિવાસન, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટ્રસ્ટી ડેરિયસ ખંભાતાએ આ બેઠકમાં હાજરી આપી હતી.
આ પણ વાંચો: Ratan Tata Will : રતન ટાટાએ વસિયતમા કોને શું આપ્યું, થયો આ ખુલાસો
કોઈ એક ટ્રસ્ટીને હટાવવામાં આવશે!
સરકાર તરફથી તેમને કહેવામાં આવ્યું કે ટ્રસ્ટમાં સ્થિરતા ફરી સ્થાપવા માટે જરૂરી હોય તે તમામ પગલા ભરવામાં આવે, કેમ કે ટાટા ટ્રસ્ટના બોર્ડમાં આંતરિક વિખવાદોની અસર ટાટા સન્સના કામકાજ પર થઇ શકે છે. અહેવાલ મુજબ, સરકારે ટ્રસ્ટને નિર્ણાયક પગલાં લેવા માટે સુચન કર્યું છે. ટ્રસ્ટમાં અસ્થિરતા પેદા કરતા કોઈ પણ ટ્રસ્ટીને હટાવવાનું પણ સુચન કરવામાં આવ્યું.
અમીત શાહ અને નિર્મલા સીતારમણ ટાટા જૂથના પ્રતિનિધિઓને જણાવ્યું કે જૂથના કદ, બજાર પર તેના પ્રભાવ અને આર્થિક મહત્વને ધ્યાનમાં વિવાદ ઝડપથી અને અસરકારક રીતે ઉકેલવામાં આવે. સરકારે મતભેદો અંગે જાહેરમાં ચર્ચા વિના આંતરિક અને સમજદારીપૂર્વક મતભેદોનો ઉકેલવા સુચના આપી છે.
અહેવાલ મુજબ બેઠક બાદ ટાટા જૂથના ચાર પ્રતિનિધિઓએ મુંબઈ પાછા ફરતા પહેલા દિલ્હીમાં એક ઇન્ટરનલ બેઠક કરી હતી.
આ પણ વાંચો: Keep Moving: રતન ટાટાના ઉત્તરાધિકારી કઈ રીતે બન્યા નોએલ ટાટા, જાણો ઈન્સાઈડ સ્ટોરી
બોર્ડ બે જૂથમાં વહેંચાયું:
અહેવાલ મુજબ ટ્રસ્ટના બોર્ડ મેમ્બર્સ બે જૂથોમાં વહેંચાઇ ગયા છે. એક જૂથ ચેરપર્સન નોએલ ટાટાનું સમર્થન કરી રહ્યું છે, જ્યારે ચાર ટ્રસ્ટીઓના બીજા જૂથનું નેતૃત્વ મેહલી મિસ્ત્રી કરી રહ્યા છે. મેહલી મિસ્ત્રી શાપૂરજી પલોનજી પરિવાર સાથે જોડાયેલા છે, ટાટા સન્સમાં શાપૂરજી પલોનજી પરિવાનો લગભગ 18.37% હિસ્સો છે. અહેવાલ મુજબ મેહલીને એવું લાગી રહ્યું છે કે તેમને ટ્રસ્ટની મુખ્ય બાબતોથી દૂર રાખવામાં આવ્યા છે.
કેમ થયો વિખવાદ?
ટાટા સન્સ બોર્ડમાં નોમિની-ડિરેક્ટર તરીકે ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહની રીઅપોઈન્ટમેન્ટ પર વિચારણા કરવામાં માટે 11 સપ્ટેમ્બરના રોજ બોર્ડ મીટિંગ થઇ હતી, જેમાં મતભેદો ઉભરી આવ્યા હતાં. બેઠક દરમિયાન બોર્ડના સભ્યો બે જૂથમાં વિભાજીત થઇ ગયા હતાં, બંને જૂથો વચ્ચે દલીલો થઇ હતી. સાતમાંથી ચાર ટ્રસ્ટીઓએ ટાટા સન્સના બોર્ડમાં તેમના રહેવાનો વિરોધ કર્યો હતો.
ઓક્ટોબર 2024 માં રતન ટાટાના અવસાન બાદ ટાટા ટ્રસ્ટ્સે એક પોલિસી રજૂ કરી હતી, જે હેઠળ ટાટા સન્સના નોમિની-ડિરેક્ટરો 75 વર્ષના થયા પછી દર વર્ષે તેમની રીઅપોઈન્ટમેન્ટ કરવી જરૂરી છે.
ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને ટ્રસ્ટી વેણુ શ્રીનિવાસને વિજય સિંહની મુદત લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ અન્ય ચાર મેહલી મિસ્ત્રી, પ્રમિત ઝવેરી, જહાંગીર એચસી જહાંગીર અને ડેરિયસ ખંભાતા એ તેનો વિરોધ કર્યો, જેના કારણે ઠરાવ નામંજૂર થયો.
ત્યારબાદ ચાર ટ્રસ્ટીના જૂથે મેહલી મિસ્ત્રીને નોમિનેટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નોએલ ટાટા અને શ્રીનિવાસને મનાઈ કરી.
આ પણ વાંચો: ટાટા ગ્રુપે કરી ‘AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ’ની જાહેરાત, એર ઇન્ડિયા ફ્લાઈટ ક્રેશના પીડિતોને મળશે મદદ
છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મેહલી મિસ્ત્રી અને તેમનું જૂથ નોએલ ટાટાને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં આ મતભેદોને કારણે વિવાદ વધુ વકર્યો છે.
આ બધા બાનાવો વચ્ચે નોએલ ટાટાના વફાદાર માનવામાં આવતા વિજય સિંહે બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. આ વિવાદ ઉકેલવા માટે ટ્રસ્ટીઓ ગુરુવારે ફરી બેઠક કરશે.
આ મુદ્દે હજુ સુધી કોઈ ટ્રસ્ટીએ આ મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.