અંગદાન માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે આટલા દિવસની સ્પેશીયલ કેઝ્યુઅલ લીવ

નવી દિલ્હી: અંગદાનને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારની જાહેરાત મુજબ અંગ દાન બાદ સરકારી કર્મચારીઓને 42 દિવસની સ્પેશીયલ કેઝ્યુઅલ લીવ (Special Casual Leave to organ donors) આપવામાં આવશે. આ પગલું સર્જરી બાદ ઓર્ગન ડોનેટ કરતા કર્મચારીને સ્વસ્થ થવા પુરતો સમય મળી રહે એ માટે ભરવામાં આવ્યું છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં અંગદાન બાદ રજાની સમસ્યા નહિ નડે.
સરકારની આ પહેલથી અંગદાન કરનારાઓને રિકવર થવા માટે પૂરતો સમય મળશે. જેનાથી ભારતમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ મામલે સકારાત્મક બદલાવ આવશે, જેનાથી ઘણા જીવન બચાવવામાં મદદ મળશે.
આપણ વાંચો: છ દિવસની બાળકી ના અંગદાનથી ચાર માનવ જિંદગીને નવજીવન: સુરતનો પ્રેરણાદાયી કિસ્સો
કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) એ આ સ્પેશિયલ લીવના નિયમો અંગે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું છે. મેમોરેન્ડમ મુજબ, અંગદાન કરનારા કેન્દ્ર સરકારના કોઈપણ કર્મચારીને અંગદાનના પ્રકારને ધ્યાનમાં લીધા વિના વધુમાં વધુ 42 દિવસની ખાસ કેઝ્યુઅલ લીવ મળશે.
આ નિર્ણય પાછળ સરકારનું ઉદ્દેશ્ય દેશમાં ઓર્ગન ડોનરની ભારે જરૂરિયાતને પહોંચી વળવાનો છે. હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને અંગદાન બાદ સ્વસ્થ થવાના સમય માટે રજા મેળવવા અથવા નોકરી ગુમાવવાની ચિંતા નહીં કરવી પડે.
અહેવાલ મુજબ હોસ્પિટલમાં દાખલ થયાના દિવસથી શરૂ કરીને એક જ તબક્કામાં આ સ્પેશિયલ કેઝ્યુઅલ લીવ લેવાની રહેશે. જોકે, જરૂરિયાતના કિસ્સામાં, સરકારી રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર અથવા ડૉક્ટરની ભલામણ પર સર્જરીના મહત્તમ એક અઠવાડિયા પહેલા રાજા લઇ શકાય છે.