ગાઝા અંગે વડાપ્રધાન મોદીનું મૌનએ ભારતની આત્મા પર કલંક: સોનિયા ગાંધીના પ્રહાર…

નવી દિલ્હી: ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીમાં ગાઝામાં વસતા 60,000 જેટલા પેલેસ્ટિનિયન નાગરિકોના મોત નીપજ્યા છે, મૃતકોમાં 18,000 બાળકોનો સમાવેશ થાય છે. અહેવાલો મુજબ હકીકતે આ મુત્યુંઆંક 3 લાખથી વધુ હોઈ શકે છે. ઇઝરાયલની નાકાબંધીને કારણે પાંચ મહિનાથી માનવતાવાદી સહાય પણ ગાઝામાં પહોંચી શકી નથી, જેને કારણે ગાઝામાં ભૂખમરાની ગંભીર સ્થિતિ ઉભી (Humanitarian crisis in Gaza) થઇ છે.
યુરોપ અને આફ્રિકાના ઘણાં દેશોએ ઇઝરાયલ સામે પગલા ભરવાનું શરુ કર્યું છે, ત્યારે પેલેસ્ટાઇનના વર્ષો જુના મિત્ર દેશ ભારતે નક્કર પગલા ભર્યા (India on Palestine) નથી. એવામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી(Sonia Gandhi)એ ગાઝા મુદ્દે ચુપ રહેવા બદલ વડાપ્રધાન મોદી અને તેમની સરકારની ટીકા કરી છે.
કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ કહ્યું ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી પર વડાપ્રધાન મોદીનું મૌન શરમજનક છે. તેમણે ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીને બર્બર ગણાવી અને ઇઝાયલ પર પેલેસ્ટિનિયન નાગરીકોના નરસંહારનો આરોપ લગાવ્યો, સાથે સાથે તેમણે હમાસે 7 ઓકટોબર 2023ના રોજ ઇઝરાયલ પર કરેલા હુમલાને પણ વખોડ્યો.
મોદી સરકાર મૂકદર્શક:
એક હિન્દી દૈનિક અખબારમાં પ્રકાશિત થયેલા તેમના લેખમાં સોનિયા ગાંધીએ ગાઝા અંગે વડાપ્રધાન મોદીના સ્પષ્ટ વલણના અભાવને ખૂબ જ નિરાશાજનક ગણાવ્યો છે. તેમણે લખ્યું કે ગાઝામાં ઉભી થયેલી માનવીય આપત્તિ અંગે મૌન રહેવું એ “આપણા બંધારણીય મૂલ્યો સાથે કાયરતાપૂર્ણ વિશ્વાસઘાત” છે. સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને વિનંતી કરી કે તેઓ ભારતના વારસાને જાળવી રાખે “સ્પષ્ટ અને હિંમતભેર” નિવેદન આપે.
‘ગાઝા સંકટ પર મુકદર્શક મોદી સરકાર’ હેડલાઇન્સ ધરાવતા લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું, “આંતરરાષ્ટ્રીય સમુદાયના સભ્યો તરીકે અને ખાસ કરીને એક માણસ તરીકે – આપણી જવાબદારી છે કે આપણે સ્વીકારીએ કે ગાઝાની નાગરિક વસ્તી સામે ઇઝરાયલી સરકારની કાર્યવાહી અને બદલો માત્ર ભયંકર જ નહીં, પણ ગુનાહિત પણ છે. અવિરત હવાઈ બોમ્બમારાને કારણે ગાઝામાં મોટાભાગની રહેણાંક ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે.”
ઇઝરાયેલ માનવતા સામે ગુનો આચરી રહ્યું છે:
હાલમાં ઉભી થયેલી ભૂખમરાની સ્થિતિને વર્ણવતા સોનિયા ગાંધીએ લખ્યું, “તાજેતરના મહિનાઓમાં પરિસ્થિતિ વધુ હૃદયદ્રાવક બની છે. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિઝે ગાઝા પર લશ્કરી નાકાબંધી લાદી છે, જાણી જોઈને અને ક્રૂરતાથી લોકોને દવાઓ, ખોરાક અને બળતણનો પુરવઠાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. કૃતિમ ભૂખમરો ઉભો કરવાની ઇઝરાયલની આ રણનીતિ નિઃશંકપણે માનવતા સામેનો ગુનો છે.”
આ દેશોએ ઇઝરાયલ સામે કાર્યવાહી કરી:
સોનિયા ગાંધીએ કહ્યું કે ગાઝાના લોકોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી હવે છૂટક દેશો પર છોડી દેવામાં આવી છે. ઇઝરાયલ સામે ઇન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટિસમાં કેસ દાખલ કરવાના દક્ષિણ આફ્રિકાના પગલાને સોનિયા ગાંધીએ “હિંમતભર્યું” ગણાવ્યું. બ્રાઝિલ હવે આ પ્રયાસમાં જોડાયું છે. ફ્રાન્સે પેલેસ્ટિન રાષ્ટ્રને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે, અને બ્રિટન અને કેનેડા જેવા દેશોએ ઇઝરાયલી નેતાઓ પર પ્રતિબંધો લાદ્યા છે.
રાષ્ટ્રીય અંતરાત્મા પર એક કલંક:
સોનિયા ગાંધીએ લખ્યું કે, “માનવતાના આ અપમાન સામે ભારત મૂક પ્રેક્ષક રહ્યું છે તે એક રાષ્ટ્ર તરીકે શરમજનક છે. ભારત લાંબા સમયથી વૈશ્વિક ન્યાયનું પ્રતીક રહ્યું છે. ભારતે સંસ્થાનવાદ સામે વૈશ્વિક ચળવળોને પ્રેરણા આપી, કોલ્ડ વોર દરમિયાન સામ્રાજ્યવાદી વર્ચસ્વ સામે ભારતે અવાજ ઉઠાવ્યો અને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે આંતરરાષ્ટ્રીય સંઘર્ષનું નેતૃત્વ કર્યું છે.
આ સમયે નિર્દોષ માણસોની ક્રૂરતાથી કતલ થઈ રહી છે, ત્યારે ભારતે તેના મૂલ્યો છોડી દેવા આપણા રાષ્ટ્રીય અંતરાત્મા પર એક કલંક છે, આપણા ઐતિહાસિક યોગદાનનો અનાદર છે અને આપણા બંધારણીય મૂલ્યો સાથે કાયરતાપૂર્ણ વિશ્વાસઘાત પણ છે. “
ભારત પેલેસ્ટાઇનનો મિત્ર દેશ:
સોનિયા ગાંધીએ લખ્યું કે વર્ષ 1974માં ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતાં ત્યારે, પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન (PLO) ને પેલેસ્ટાઇનના લોકોના એકમાત્ર અને કાયદેસર પ્રતિનિધિ તરીકે માન્યતા આપનાર ભારત પ્રથમ બિન-આરબ દેશ બન્યો. 1988માં, ભારત પેલેસ્ટાઇન રાષ્ટ્રને સત્તાવાર રીતે માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક હતો. ગ્લોબલ સાઉથ ફરી એકવાર નેતૃત્વ માટે ભારત પર નજર રાખી રહ્યું છે.
ઇઝરાયલનો છૂપો ઈરાદો:
સોનિયા ગાંધીએ લખ્યું, વર્ષ 1948માં નકબા સમયે જ્યારે પેલેસ્ટિનિયનોને તેમના ઘરો છોડીને જવાની ફરજ પાડવામાં આવી હતી, એવી જ ઘટનાઓ અત્યારે બની રહી છે. નામ લીધા વિના, તેમણે લખ્યું કે ઇઝરાયલની આ કાર્યવાહી વસાહતી માનસિકતાથી લઈને કેટલાક લોભી રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિઓના સ્વાર્થી હિતો પૂર્ણ કરવા માટે થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છે. ગાઝામાંથી પેલેસ્ટિનિયન નાગરિકો હટાવી, ત્યાં રિસોર્ટ જેવું શહેર બનાવવાની વાત બંને નેતાઓ કરી ચુક્યા છે. આ ઉપરાંત ગાઝાની ધરતીમાં રહેલા ખનીજો પર પણ ઇઝરાયલની નજર છે. જેના કારણે ઇઝાયલ હમાસના ખાતમાના બહાને નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યું છે. ICJએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વોર ક્રિમીનલ જાહેર કર્યા છે અને તેમની સામે અરેસ્ટ વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…નરસંહાર વચ્ચે ગાઝામાં રાહત! ઇઝરાયલ દરરોજ 10 કલાક હુમલા રોકવા તૈયાર