લદ્દાખમાં હિંસાથી સોનમ વાંગચુક દુઃખી; ઉપવાસ તોડીને યુવાનોને હિંસા રોકવા અપીલ કરી

લેહ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે ચાલી રહેલા અંદોલને હિંસકરૂપ ધારણ કર્યું છે. પ્રદેશમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે, કેટલીક જગ્યાએ પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓ બની છે. પોલીસ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે બળપ્રયોગ પણ કરી રહી છે. એવામાં જાણીતા ક્લાઈમેટ એકટીવીસ્ટ સોનમ વાંગચુકે ઉપવાસ તોડતાની જાહેરાત (Sonam Wangchuck ended fast) કરી છે. તેમણે યુવાનોને હિંસા બંધ કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે.
લદ્દાખને રાજ્યના દરજ્જાની માંગ સાથે સોનમ વાંગચુક છેલ્લા 15 દિવસથી ઉપવાસ પર બેઠા હતાં. આજે આ આંદોલન અચાનક હિંસક બન્યું હતું, લેહમાં ભાજપના મુખ્ય મથકને આગચાંપી દેવામાં આવી હતી. આ હિંસા અંગે દુઃખ વ્યક્ત કરતા વાંગચુકે તેમના સમર્થકોને શાંતિ જાળવવા અપીલ કરી.
આ પણ વાંચો : લદ્દાખમાં બબાલઃ પૂર્ણ રાજ્યના દરજ્જાની માગ કરનારા પ્રદર્શનકારીઓનો હલ્લાબોલ, આગજનીના બનાવ
હિંસા રોકવા અપીલ:
એક નિવેદનમાં સોનમ વાંગચુકે કહ્યું, “હું યુવાનોને આગચંપી અને હિંસા બંધ કરવાની અપીલ કરું છું. હું મારો ઉપવાસ તોડી રહ્યો છું. હું અધિકારીઓને ટીયર ગેસ ન છોડવા વિનંતી કરું છું. જો સંઘર્ષમાં કોઈ જીવ જાય તો કોઈ ભૂખ હડતાળ સફળ ન થઇ શકે.”
સોનમ વાંગચુકે કહ્યું કે કોઈપણ પ્રકારની આગચંપી કે અથડામણ આંદોલનના મનોબળ અને ઉદ્દેશ્યને નુકશાન પહોંચશે.
આ પણ વાંચો : લદ્દાખમાં દુર્ઘટના: આર્મીની ગાડી પર પથ્થર પડતાં એક અધિકારી સહિત 2 જવાન શહીદ
ભાજપ કાર્યાલયને આગ ચાંપી:
નોંધનીય છે કે આજે બુધવારે લેહમાં બંધની જાહેરાત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. બેકાબુ થયેલા પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલય અને કેટલાક વાહનોમાં આગ લગાવી દીધી હતી. ભીડને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા હાલ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.