દેશના આ રાજ્યમાં સરકારી નોકરી મેળવવા મહિલાઓ પતિને આપી રહી છે ડિવોર્સ, જાણો શું છે કારણ ?

રાજસ્થાનમાં સરકારી નોકરી મેળવવા માટે એક ચોંકાવનારો ખેલ ખેલાતો હોવાની વાત સામે આવી છે, જેમાં ઉમેદવારો તલાકશુદા મહિલાઓ માટે મળતા 2 ટકા આરક્ષણનો લાભ લેવા ફરજી તલાકના કાગળો બનાવે છે. નોકરી મળ્યા બાદ તેઓ ફરીથી લગ્ન કરી લે છે, જેનાથી અસલી હકદારોનો હક છીનવાય છે. આ ગેરરીતિ સામે રાજસ્થાન કર્મચારી ચયન બોર્ડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) કડક કાર્યવાહીની તૈયારીમાં છે. બોર્ડના અધ્યક્ષ મેજર જનરલ આલોક રાજે સ્પષ્ટ કહ્યું છે કે આવા ફરજીવાડા સામે કોઈ ઢીલ નહીં રાખવામાં આવે.
મીડિયા અહેવાલો અનુસાર, જયપુરમાં થોડા સમય પહેલાં એક કોન્સ્ટેબલના પતિએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની પત્નીએ ફરજી તલાકના કાગળો બનાવીને નોકરી મેળવી, જોકે તે સમયે તે લગ્નજીવન જીવતી હતી. ઘણી મહિલાઓ ભરતી પરીક્ષા પહેલા પતિથી દેખાડા માટે તલાક લઈને તલાકશુદા કેટેગરીનો લાભ લે છે. નોકરી મળ્યા બાદ તેઓ ફરીથી લગ્ન કરી લે છે. આનાથી ખરેખર તલાકશુદા મહિલાઓનો હક મારવામાં આવે છે. રાજસ્થાન કર્મચારી ચયન બોર્ડને આવા 12થી વધુ નક્કર કેસની ફરિયાદો મળી છે. આવા કેસની તપાસ માટે બોર્ડે SOG અને કાનૂની નિષ્ણાતો સાથે મળીને વ્યાપક તપાસની યોજના બનાવી છે.
તલાકશુદા કેટેગરીની કટ-ઓફ સામાન્ય અને અન્ય શ્રેણીઓની તુલનામાં ઘણી ઓછી હોય છે, જેના કારણે ઉમેદવારો ફરજી તલાકના કાગળો બનાવીને આ કોટામાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. ઘણા કેસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તલાકશુદા હોવાનો દાવો કરનારી મહિલાઓ વાસ્તવમાં લગ્નજીવન જીવતી હતી. આવી ગેરરીતિઓએ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ ઉભા કર્યા છે, અને આવા ઉમેદવારો હવે SOGના રડાર પર છે.
ફરજીવાડો માત્ર તલાકશુદા કોટા પૂરતો મર્યાદિત નથી. આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના પ્રમાણપત્રોમાં પણ ગેરરીતિઓ સામે આવી છે. ઘણા ઉમેદવારો પાત્રતા ન હોવા છતા ફરજી EWS પ્રમાણપત્રો બનાવીને નોકરી મેળવવાનો પ્રયાસ કરે છે. બોર્ડે લોકોને આવા ફરજીવાડાની ફરિયાદ કરવા અપીલ કરી છે, જેથી ન્યાયી ઉમેદવારોને તેમનો હક મળી શકે.
આપણ વાંચો: ભારતના બે એવા વડાપ્રધાન જેમણે ક્યારેય લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો નથી, જાણો કોણ છે અને શું છે કારણ