કેદારનાથ: ઉત્તરાખંડના કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે કેદારનાથ ધામમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે જ ગંગોત્રી ધામમાં પણ નદી નાળાના પાણી જામવા લાગ્યા છે. કેદારનાથ ધામમાં ઘણી જગ્યાએ ત્રણથી પાંચ ઈંચ બરફ જામ્યો છે, જેના કારણે યાત્રિકો અને ધામમાં યાત્રાની ફરજ પર તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બુધવારે હિમવર્ષા બાદ ગુરુવારે સવારે કેદારનાથ ધામમાં વાતાવરણ સ્વચ્છ હતું. પરંતુ બપોરે 1:15 વાગ્યાથી અચાનક જ ગાઢ વાદળો દેખાયા હતા અને ભારે હિમવર્ષા શરૂ થઈ હતી. લગભગ ત્રણ કલાક સુધી ધામમાં હિમવર્ષા ચાલુ રહી હતી. મંદિર રોડ અને અન્ય સ્થળોએ ત્રણથી પાંચ ઈંચ બરફ જમા થઈ ગયો હતો. કેદારનાથમાં મહત્તમ તાપમાન છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન માઈનસ આઠ ડિગ્રી હતું. ખરાબ હવામાનને કારણે પુનઃનિર્માણ કાર્ય પણ વ્યાપકપણે પ્રભાવિત થયું છે.
ગંગોત્રી ધામના દરવાજા બંધ થવામાં હજુ પાંચ દિવસ બાકી છે, પરંતુ ધામમાં ઠંડી વધી રહી છે. ધામમાં ભાગીરથી (ગંગા) નદી અને નળના પાણી જામવા લાગ્યા છે. રાત્રિનું તાપમાન માઈનસ 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી રહ્યું છે. 14મી નવેમ્બરે ધામના દરવાજા બંધ કરી દેવમાં આવશે.