
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સીઝફાયરની જાહેરાત થઈ હતી. અમેરિકાએ મધ્યસ્થી કરતાં બંને દેશો સહમત થયા હતા. જોકે સીઝફાયરની જાહેરાત 4 કલાક પણ ટકી નહોતી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના અનેક શહેરોમાં ડ્રોનથી હુમલા કર્યા હતા. હાલ જમ્મુ-કાશ્મીરમાં અજંપાભરી શાંતિ છે. રોડ પર વાહન વ્યવહાર શરૂ થઈ ગયો છે. જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના સરહદી જિલ્લાઓમાં આખી રાત બ્લેકઆઉટ રહ્યું હતું. જોકે, હવે પાકિસ્તાન તરફથી ગોળીબાર અને ડ્રોન હુમલા બંધ થઈ ગયા છે. છતાં આ રાજ્યોના ઘણા વિસ્તારો રેડ એલર્ટ પર છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે સાંજે લગભગ 5:30 વાગ્યે યુદ્ધવિરામની માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, અમેરિકાના મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણપણે હુમલાઓ બંધ કરવા સંમત થયા છે. હું બંને દેશોને તેમના સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.
ટ્રમ્પના નિવેદનના 30 મિનિટ પછી, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સાંજે 6 વાગ્યે પ્રેસ બ્રીફિંગ યોજી. તેમણે કહ્યું કે બંને દેશો હવે એકબીજા સામે લશ્કરી કાર્યવાહી નહીં કરે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે પણ યુદ્ધવિરામ માટે સંમતિ આપી હતી. પરંતુ ત્રણ કલાક પછી, ભારતના ચાર રાજ્યો પર હુમલો થયો હતો.
આ પણ વાંચો….પાકિસ્તાન ના સુધર્યું: વળતો જવાબ આપવા ભારતીય સેનાને છુટો દોર અપાયો