નેશનલ

સિમોન તાતાનું નિધન, સ્વિસ યુવતીએ કઈ રીતે ભારતમાં ખડું કર્યું કરોડોનું Lakme સામ્રાજ્ય ?

મુંબઈ: ભારતના ‘કોસ્મેટિક ઝરીના’ તરીકે જાણીતા સિમોન તાતાનું 95 વર્ષની ઉંમરે મુંબઈની બ્રેચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે જન્મેલા સિમોન ટાટાનું પૂરું નામ સિમોન નેવલ ડુનોયર હતું. પરંતુ 1953માં 23 વર્ષીય સિમોન ડુનોયર ભારત ફરવા આવ્યા હતા અને ભારતના બનીને રહી ગયા હતા.

તાતા પરિવારની વહુ બનવાનું મળ્યું સૌભાગ્ય

1955માં જેઆરડી તાતાના સાવકા ભાઈ નવલ એચ તાતા સાથે સિમોનના લગ્ન થયા હતા. જોકે, નવલ તાતાને તેમના અગાઉના લગ્નથી એક પુત્રનો જન્મ થઈ ચૂક્યો હતો. આ પુત્ર બીજુ કોઈ નહીં, પરંતુ રતન તાતા હતા. નવલ તાતા સિમોને નોએલ તાતાને જન્મ આપ્યો હતો. સિમોન તાતાએ તાતા પરિવારને એકજૂટ રાખ્યો હતો.

તાતા ગ્રુપમાં જોડાઈને લેક્મેને બનાવી બ્રાન્ડ

સિમોન તાતા 1960ના દાયકામાં તાતા ઓઇલ મિલ્સ કંપનીની સબસિડરી કંપની લેકમેના બોર્ડમાં જોડાયા હતા. હમામ, ઓકે અને મોદી સોપ્સ જેવી પ્રોડક્ટ બનાવતી લેકમે કંપનીને સિમોને ભારતીય મહિલાઓ માટે કોસ્મેટિક બ્રાન્ડ બનાવવાનું વિઝન આપ્યું હતું. આ વિઝનના પગલે લેક્મેએ ભારતીય મહિલાઓના સ્કીન અને હેર પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. આમ, સિમોન તાતાની દેખરેખ હેઠળ લેક્મે એક ઘરેલું બ્રાન્ડ બની ગઈ હતી. આગળ જતા 1982માં તેઓ લેકમેના ચેરપર્સન બન્યા હતા.

એપેરલ રિટેલિંગમાં પ્રવેશી ‘ટ્રેન્ટ’નો વિકાસ કર્યો

1991માં લિબરેલાઇઝેશન થયા પછી 1996માં લેક્મેએ HUL સાથે 50:50 જોઈન્ટ વેન્ચર બનાવ્યું હતું. જેને લેક્મે યુનિલિવર લિમિટેડ નામ આપવામાં આવ્યું હતું. આ વેન્ચરે કોસ્મેટિક સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ કર્યો હતો. 1998માં લેક્મેએ 200 કરોડ રૂપિયામાં પોતાનો 50 ટકા શેર HULને વેચી દીધો હતો. ત્યારબાદ લેક્મેએ પોતાનો બિઝનેસ બદલીને એપેરલ રિટેલિંગમાં પ્રવેશ કર્યો હતો.

રેડી-ટુ-વેર ગાર્મેન્ટ્સ વેચતી UKની લિટલવુડ્સ ઇન્ટરનેશનલ (ઇન્ડિયા)ને 1998માં લેકમેએ ખરીદી લીધી હતી. આની સાથે લેક્મે લિમિટેડનું નામ બદલીને ટ્રેન્ટ કરવામાં આવ્યું હતું. વર્તમાનમાં નોએલ તાતા ટ્રેન્ટના ચેરમેન છે. ટ્રેન્ટ લિમિટેડ હેઠળ વેસ્ટસાઇડ, ઝુડિયો જેવા એકમો ચાલી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button