ડીકે શિવકુમારને કર્ણાટકના મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે! કોંગ્રેસ MLAના નિવેદન બાદ અટકળો શરુ

બેંગલુરુ: કર્ણાટકમાં ફરી એકવાર સત્તા પરિવર્તન અંગે અટકળો શરુ થઇ છે. કુનિગલથી કોંગ્રેસના વિધાન સભ્ય એચડી રંગનાથે નિવેદન આપ્યું હતું કે તેમણે તેમના રાજકીય માર્ગદર્શક, નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને એક દિવસ મુખ્ય પ્રધાન પદ પર જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ત્યાર બાદ રાજકારણ ગરમાયું હતું, મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ અટકળોનો અંત લાવતા કહ્યું કે તેઓ મુખ્ય પ્રધાન તરીકે પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયાબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને વચ્ચે સત્તા મુદ્દે ખેંચતાણ ચાલી રહી હોવાના અહેવાલ છે. દિલ્હીમાં બંને નેતાઓના અધિકારીઓ વચ્ચે મારામારીની પણ ઘટના બની હતી, સુત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ ડીકે શિવકુમારને સમર્થન આપી રહ્યા છે. એવામાં રંગનાથને જાહેરમાં ડીકે શિવકુમારને મુખ્ય પ્રધાન પદ પર જોવાની ઈચ્છા વ્યક્ત કરતા ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદ? DK શિવકુમારે ધારાસભ્યોને આપી સ્પષ્ટ ચેતવણી
રંગનાથને શું કહ્યું?
એક નિવેદનમાં રંગનાથને કહ્યું કે પાર્ટી હાઇકમાન્ડે એ સ્વીકારવું જોઈએ કે 2023 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીતમાં શિવકુમારની મહત્વની ભૂમિકા હતી. તેમણે કહ્યું, “મારા માટે, ડીકે શિવકુમાર રાજકીય ગુરુ છે. મેં તેમને સમાજ સેવા કરતા, વહીવટી કાર્ય કરતા અને વિકાસ કાર્યને આગળ ધપાવતા જોયા છે. દરેક નેતા કહી રહ્યા છે કે શિવકુમારની મહેનતને કારણે કોંગ્રેસને 140 બેઠકો મળી છે. તેથી, હાઇકમાન્ડે તેમને યોગ્ય માન આપવું જોઈએ.”
રંગનાથને કહ્યું, “સવારે 8 થી રાતના 3 વાગ્યા સુધી સખત મહેનત કરતો હોય, જેમની પાસે ભગવાનના આશીર્વાદ, હાઇકમાન્ડનો વિશ્વાસ અને લોકોનો પ્રેમ હોય તેવો બીજો કોઈ નેતા નથી. તેથી, એક દિવસ તેઓ ચોક્કસ મુખ્ય પ્રધાન બનશે.”
આ પણ વાંચો : કર્ણાટક કોંગ્રેસમાં ડખાઃ શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથેની બેઠકમાં રાહુલ ગાંધી થયા નારાજ?
સિદ્ધારમૈયાએ અટકળોનો અંત લાવ્યો:
રંગનાથના નિવેદન બાદ શિવકુમારને મુખ્ય પ્રધાન બનાવવાની અટકળો શરુ થઇ હતી. જો કે કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ અટકળોનો છેદ ઉડાડી દીધો છે. તેમને કહ્યું, “હાઇકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે. આવતા વર્ષે મૈસુર દશેરા પર ફૂલો હું જ ચડાવીશ. હું આટલા વર્ષોથી આ કરી રહ્યો છું. મેં અઢી વર્ષ પૂર્ણ કર્યા છે અને આગામી અઢી વર્ષ સુધી સત્તા પર રહીશ.”