બંગાળનાં નંદીગ્રામમાં ભવ્ય રામ મંદિરનો શુભેન્દુ અધિકારીએ કર્યો શિલાન્યાસ…

કોલકાતા: રામ નવમીના દિવસે પર પશ્ચિમ બંગાળના નંદીગ્રામ જિલ્લામાં અયોધ્યા જેવા જ ભવ્ય રામ મંદિરના નિર્માણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ રામ નવમીના પર્વ પર નંદીગ્રામમાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. રામ મંદિરનો શિલાન્યાસ સોનાચુરા ગામમાં કરવામાં આવ્યો હતો, જ્યાં 6 જાન્યુઆરી, 2007 ના રોજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા સાત જેટલા લોકોનું ઉગ્રવાદીનાં ગોળીબારમાં મૃત્યુ થયું હતું.
પશ્ચિમ બંગાળમાં રામનવમીને લઈને સમગ્ર રાજ્યમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સમર્થકો અને ભક્તોના ‘જય શ્રી રામ’ ના નારા વચ્ચે શુભેન્દુ અધિકારીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. આ પૂર્વે ભાજપના વરિષ્ઠ નેતાઓએ રામ નવમી શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું અને સોનાચુરાના શહીદ મિનારથી પ્રસ્તાવિત મંદિર સ્થળ પર પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી આ મહિનાના અંતમાં પૂર્વ મેદિનીપુર જિલ્લાના દિઘા ખાતે જગન્નાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.
દોઢ એકર જમીન પર બનશે મંદિર
શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે સોનાચુરાનું રામ મંદિર દોઢ એકર જમીન પર બનાવવામાં આવશે. આ મંદિર અયોધ્યાના રામ મંદિરની જેમ ડિઝાઇન કરવામાં આવશે. આ મંદિર પશ્ચિમ બંગાળનું સૌથી મોટું રામ મંદિર હશે.
આ પણ વાંચો: VIDEO: રામનવમીનો અયોધ્યાથી લઈને દેશભરમાં અનેરો ઉત્સાહ; અનેક રાજ્યોમાં પોલીસ એલર્ટ
બંગાળમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ મોડ પર
રામ નવમીની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ પણ ખૂબ જ સંવેદનશીલ રાજ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રામ નવમીના અવસર પર વિવિધ શહેરોમાં સાંપ્રદાયિક તણાવનાં બનાવો બન્યા હતા. આથી પશ્ચિમ બંગાળમાં પોલીસ અને સરકાર બંને એલર્ટ મોડ પર છે. હિંદુ સંગઠનોને શોભાયાત્રા કાઢવા મુદ્દે મંજૂરી મળતા સમગ્ર રાજ્યમાં અનેક શભાયાત્રાઓ કાઢવામાં આવે તેવી શક્યતા છે. પાટનગર કોલકાતામાં જ 50 થી વધુ રામ નવમી શોભાયાત્રા કાઢવામાં આવે તેવી શક્યતા છે, જેમાં પાંચ મોટી શોભાયાત્રાનો સમાવેશ થાય છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે.