
નવી દિલ્હીઃ ભારત માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે, ભારતના શુભાંશુ શુક્લા (Shubhanshu Shukla) સાથે ત્રણ અંતરિક્ષ યાત્રીઓ (Astronaut)ને લઈને એક્સિઓમ 4 મિશન (Axiom-4 mission) કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્સ 39એ (Kennedy Space Center Launch Complex 39A)થી ઉડાન ભરી ચૂક્યું છે. એક્સિઓમ 4 મિશન બપોરે 12.01 વાગ્યે ઉડાન ભરી હતી. આ દરમિયાન શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી પહેલો સંદેશ આપ્યો છે. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શુભાંશુ શુક્લાએ કહ્યું કે, નમસ્તે, મારા પ્રિય દેશવાસીઓ, શું સવારી છે! 41 વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં પહોંચ્યા છીએ. અને આ એક અદ્ભુત સવારી છે. અત્યારે આપણે પૃથ્વીની આસપાસ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફરી રહ્યાં છીએ. મારા ખભા પર મારો ત્રિરંગો છે, જે મને કહી રહ્યો છે કે હું એકલો નથી, હું તમારા બધા સાથે છું’
41 વર્ષ પછી અવકાશમાં જનારા શુભાંશુ શુક્લા બીજા ભારતીય
સૌથી પહેલા ભારતમાંથી રાકેશ શર્મા અવકાશમાં ગયાં હતાં. 41 વર્ષ પછી અવકાશમાં જનારા શુભાંશુ શુક્લા બીજા ભારતીય છે. શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી કહ્યું કે, ‘આ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મારી યાત્રાની શરૂઆત નથી, આ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. અને હું ઈચ્છું છું કે બધા દેશવાસીઓ આ યાત્રાનો ભાગ બને. તમારી છાતી પણ ગર્વથી ભરેલી હોવી જોઈએ. તમારે પણ એ જ ઉત્સાહ દર્શાવવો જોઈએ. ચાલો આપણે બધા સાથે મળીને ભારતની આ માનવ અવકાશ યાત્રા શરૂ કરીએ. આભાર, જય હિંદ, જય ભારત’. શુભાંશુ શુક્લાના શબ્દો દરેક ભારતીયને ગૌરવ અપાવી રહ્યાં છે.

અવકાશયાનને આ યાત્રામાં 28 કલાકનો સમય લાગશે
આ મિશનની વાત કરવામાં આવે તો, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યા પછી તેઓ રાકેશ શર્માના 1984ના મિશન પછી સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) પૃથ્વીથી લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ ‘લો અર્થ ઓર્બિટ’માં 28000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરિભ્રમણ કરી રહ્યું છે. તે એક ગતિશીલ લક્ષ્ય છે, જેની સાથે અવકાશયાનને ચોક્કસ રીતે ગોઠવવું પડે છે. શુભાંશુ શુક્લાને લઈ જતું સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનને આ યાત્રામાં 28 કલાકનો સમય લાગશે. 28 કલાકની મુસાફરી પછી અવકાશયાન ગુરુવારે સાંજે લગભગ 04:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) સાથે ડોક થવાની ધારણા છે.
પીએમ મોદીએ અવકાશયાત્રી શુભાંશુ શુક્લાને આપી શુભેચ્છાઓ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભાંશુ શુક્લા માટે મેસેજ આપ્યો છે. એક પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, ‘ભારત, હંગેરી, પોલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સના અવકાશયાત્રીઓને લઈને અવકાશ મિશનના સફળ પ્રક્ષેપણનું સ્વાગત કરીએ છીએ. ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય બનવા જઈ રહ્યા છે. તેઓ 1.4 અબજ ભારતીયોની ઇચ્છાઓ, આશાઓ અને આકાંક્ષાઓ પોતાની સાથે લઈ ગયા છે. તેમની સાથે આવેલા તમામ અવકાશયાત્રીઓને સફળતા માટે શુભકામનાઓ!’
ભારતીય વાયુસેનાએ પણ સોશિયલ મીડિયા દ્વારા ખુશી વ્યક્ત કરી
શુભાંશુ શુક્લાના મિશનના લોન્ચ પછી ભારતીય વાયુસેનાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુશી વ્યક્ત કરી છે. IAF (Indian Air Force) એ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે, આકાશ જીતવાથી લઈને તારાઓને સ્પર્શ કરવા સુધીની સફર, ભારતીય વાયુસેનાના હવાઈ યોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક ઐતિહાસિક અવકાશ મિશન પર રવાના થયા છે જે દેશના ગૌરવને પૃથ્વીની પેલે પાર લઈ જશે. IAF એ કહ્યું કે આ ભારત માટે એક ક્ષણ છે, જે સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માના મિશનના 41 વર્ષ પછી આવી છે, જેમણે સૌપ્રથમ આપણા ત્રિરંગાને પૃથ્વીની પેલે પાર લઈ ગયા હતા. આ એક મિશન કરતાં પણ વધુ છે.