શોકિંગઃ એકાઉન્ટમાં જમા રૂપિયા આપવાનો બેંકે ઇનકાર કરતા ગ્રાહકે ભર્યું અંતિમ પગલું
તિરુવનંતપુરમઃ કેરળમાં એક સહકારી બેન્કમાં કથિત રીતે તેના જમા રૂપિયા પાછા આપવાનો ઇનકાર કરતા એક 52 વર્ષીય વ્યક્તિએ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ ગુરુવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે મારુથથુરના રહેવાસી સોમસાગરમને ઝેર પીધા બાદ 19 એપ્રિલથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું જ્યાં તેમનું નિધન થયું હતું.
ઘટનાની તપાસ કરતા પોલીસે જણાવ્યું હતું કે ક્રિમિનલ પ્રોસિડિંગ્સ (સીઆરપીસી) ની કલમ 174 હેઠળ પૂછપરછની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એફઆઈઆર મુજબ, પેરુમ્પાઝુથુર સહકારી બેન્ક સત્તાવાળાઓએ અનેક વિનંતીઓ કરવા છતાં સોમસાગરમને તેમની પાંચ લાખ રૂપિયાની ડિપોઝિટ પરત કરવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે તેઓ હતાશ થયા હતા. સોમસાગરમને તેમની દીકરીના લગ્ન માટે પૈસાની જરૂર હતી પરંતુ બેન્કે ના આપતા 19 એપ્રિલે ઝેર પી લીધું હતું. બુધવારે રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.
તેમના 86 વર્ષીય પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમના પુત્રએ મહેનતથી કમાયેલા પૈસા બેન્કમાં જમા કરાવ્યા હતા. તે છેલ્લા છ મહિનાથી બેન્કને ડિપોઝિટ પરત કરવા માટે કહી રહ્યો હતો, પરંતુ તેઓએ ના પાડી હતી. અંતે તેઓએ તેને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. બેન્કના આ નિર્ણયના કારણે તેણે આત્મહત્યા કરી હતી.
બેન્કના સત્તાવાળાઓએ મીડિયાને જણાવ્યું કે નાણાકીય તંગી છે અને તે ગ્રાહકોની તેમની થાપણો પરત કરવામાં અસમર્થ છે લોન વસૂલવામાં વિલંબ થયો હતો. સત્તાવાળાઓએ દાવો કર્યો હતો કે તેઓએ આગ્રહ કરતા કેટલાક ગ્રાહકોના પૈસા પરત કરી દીધા હતા.