શિવસેનાના ‘ધનુષ-બાણ’ વિવાદની અંતિમ સુનાવણી 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે

નવી દિલ્હી: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને ‘ધનુષ અને બાણ’ની નિશાની આપવાના ચૂંટણી પંચના હુકમને પડકારતી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીઓ સુપ્રીમ કોર્ટ 21 જાન્યુઆરીએ સાંભળશે.
જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલા બાગચીની બનેલી બેન્ચે કહ્યું હતું કે 21 જાન્યુઆરીએ બેન્ચ શિવસેનાની નિશાનીના વિવાદની અંતિમ દલીલો સાંભળવાનું શરૂ કરશે. બેન્ચ બાવીસ જાન્યુઆરીએ નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના આવા જ વિવાદ અંગેની દલીલો સાંભળશે કારણ કે આ બે બાબતોના મુદ્દાઓ એકમેક સાથે સંકળાયેલા છે. સર્વોચ્ચ અદાલતે દરેક પક્ષની દલીલો સાંભળવા ત્રણ કલાક ફાળવ્યા છે.
આપણ વાચો: ઓપરેશન ધનુષ્ય-બાણ ચાલુ?: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, 40 વર્ષથી સાથે રહેલા વરિષ્ઠ નેતાનું રાજીનામું
ઉદ્ધવ ઠાકરે જૂથ વતી દલીલ કરતા સિનિયર ઍડવોકેટ દેવદત્ત કામતે કહ્યું હતું કે આની તત્કાળ સુનાવણીની જરૂર છે, કારણ કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી છે. જસ્ટિસ કાંતે કહ્યું હતું કે ભારતમાં રાજકીય પક્ષો રાષ્ટ્રીય ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાગ લેતી હોવાથી તે હંમેશાં ઈલેકશન મોડમાં હોય છે. શિંદે જૂથ વતી મુકુલ રોહતગી અને નીરજ કિશન કૌલે દલીલો કરી હતી.
અગાઉ સુપ્રીમ કોર્ટે 14 જુલાઈએ કહ્યું હતું કે આ બાબત ઘણા વખતથી લટકતી છે અને અનિશ્ર્ચિતતાને લાંબા સમય સુધી રાખી શકાય નહીં. આથી અમે અંતિમ સુનાવણી શરૂ કરીશું.
પક્ષનું નામ અને નિશાની વિધાનસભાની બહુમતીના આધારે વિરોધી જૂથે આપવાના મહારાષ્ટ્ર સ્પીકરના નિર્ણયને પડકાર્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચુકાદાથી વિપરિત છે.
(એજન્સી)



