સંસદમાં શિવસેનાનાં સાંસદે કર્યા નીતિન ગડકરીનાં વખાણ; અધ્યક્ષે પણ આપ્યો સાથ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું વ્યક્તિત્વ અન્ય રાજનેતાઓ કરતાં કઈક જુદું છે. આથી તે ઘણીવાર ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. ગુરુવારે લોકસભામાં વિપક્ષ શિવસેના (UBT) ના સંસદ સભ્યએ દેશભરમાં રસ્તાઓ અને હાઇવેના નિર્માણ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પ્રશંસા કરતા ‘તે મહારાષ્ટ્રનાં એક સુપુત્ર છે જેણે દેશભરમાં રસ્તાઓ પર ઘણું કામ કર્યું છે.’ તો લોકસભા અધ્યક્ષે પણ આ પ્રશંસામાં પોતાનો સૂર ભેળવ્યો હતો.
શિવસેનાના સાંસદે કર્યા ગડકરીનાં વખાણ
સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન, મહારાષ્ટ્રના પરભણીથી શિવસેના (UBT)ના સાંસદ, સંજય જાધવે ગડકરીનાં વખાણ કરતા કહ્યું હતું લે, “તેઓ મહારાષ્ટ્રના એવા સુપુત્ર છે જેમણે દેશભરમાં રસ્તાઓ પર ઘણું કામ કર્યું છે.” જાધવના પૂરક પ્રશ્નના જવાબમાં ગડકરીએ ગૃહને જણાવ્યું હતું કે ઇન્દોરથી હૈદરાબાદ સુધી એક હાઇવે બનાવવામાં આવી રહ્યો છે જે મહારાષ્ટ્રના નાંદેડમાંથી પસાર થશે.
આપણ વાંચો: “મુસ્લિમમાંથી વધુ IPS-IAS આવશે તો વિકાસ….” નીતિન ગડકરીએ કેમ કરી આવી વાત?
શું કોઇ માર્ગ બાકી છે?
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના અહમદનગર થઈને પુણેથી છત્રપતિ સંભાજીનગર સુધીના રૂટ પર 15 હજાર કરોડ રૂપિયાના ખર્ચે એક નવું “ગ્રીન એલાઈનમેન્ટ” તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ એક નવીન મોડેલ છે અને તેમાં સરકારનો એક પણ રૂપિયો રોકવામાં આવ્યો નથી.
નીતિન ગડકરીએ કહ્યું કે પુણેથી છત્રપતિ સંભાજીનગર સુધીની મુસાફરીમાં હાલમાં છ થી સાત કલાકનો સમય લાગે છે, પરંતુ આ માર્ગના નિર્માણ બાદ તે બે કલાકમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય મંત્રીના જવાબ દરમિયાન, લોકસભા સ્પીકરે પણ રમુજ કરતાં કહ્યું હતું કે, “શું કોઈ રસ્તો બાકી છે?”
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા સંસદીય બેઠકના સભ્ય અબ્દુલ રશીદ શેખના પૂરક પ્રશ્નના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે ઉત્તરીય રાજ્યમાં 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને 105 ટનલ બનાવવામાં આવી રહી છે. ગડકરીએ કહ્યું કે એશિયાની સૌથી મોટી ઝોજીલા ટનલ પણ ત્યાં બનાવવામાં આવી છે.