શેખ હસીનાને મામલે બાંગ્લાદેશના ભારત સામે ફૂંફાડા: એક નેતાએ કહ્યું “જો ભારત નહિ સોંપે તો…

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન અને તેના બાદ ભડકી ઉઠેલી હિંસાથી વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણાર્થી બનેલા શેખ હસીનાને લઈને બાંગ્લાદેશ તરફથી સતત નિવેદનબાજી થઈ રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં કાયદા મંત્રી આસિફ નઝરુલે શુક્રવારે કહ્યું કે જો ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણનો ઇનકાર કરશે તો તેનો સખત વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચો : શેખ હસીના સાચા હતા, બાંગ્લાદેશમાં તખ્તાપલટ અમેરિકાએ જ કરાવ્યો…
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલે ગુરુવારે માનવાધિકાર ઉલ્લંઘનના કેસમાં શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે આદેશ જારી કરીને કહ્યું હતું કે શેખ હસીનાને 18 નવેમ્બર સુધીમાં તેની સામે હાજર કરવામાં આવે. આ પછી કાયદા મંત્રીએ આ પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો : બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના મહા મુસીબતમાં! હત્યાના 40 કેસ નોંધાયા
બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા નઝરુલે કહ્યું કે અમારી પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ઘણી કાયદાકીય વ્યવસ્થા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલેથી જ પ્રત્યાર્પણ સંધિ છે. જો કે ભારત અન્ય નિયમોનો હવાલો આપીને ના પાડી શકે છે, પરંતુ જો ઈમાનદારીથી અને કાયદા અનુસાર જોવામાં આવે તો ભારત શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બંધાયેલું છે.
આ પણ વાંચો : ‘મને સત્તા પરથી હટાવવા અમેરિકાએ કાવતરું રચ્યું’ શેખ હસીનાનો મોટો આરોપ..
જ્યારે શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે તે સુરક્ષાના કારણોસર અહીં આશ્રિત છે. શેખ હસીના 5 ઓગસ્ટના રોજ તેની નાની બહેન સાથે ભારત પહોંચ્યા હતા અને ત્યારથી તેઓ અહીં એક અજાણ્યા સ્થળ પર રહી રહ્યા છે. શેખ હસીનાને ભારત લાવવાને લઈને બાંગ્લાદેશમાં સતત નિવેદનબાજી કરવામાં આવી રહી છે. વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી તૌહીદ હુસૈને સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે શેખ હસીનાને બાંગ્લાદેશ પાછા મોકલવા કે નહીં તે ભારત નક્કી કરશે. આ સિવાય અન્ય એક નેતાએ કહ્યું કે ભારતે શેખ હસીનાને આશ્રય આપવો એ ગુનેગાર અને ખૂનીને આશ્રય આપવા સમાન છે.