‘મને સત્તા પરથી હટાવવા અમેરિકાએ કાવતરું રચ્યું’ શેખ હસીનાનો મોટો આરોપ..
શેખ હસીનાએ બાંગ્લાદેશના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ હાલમાં ભારતમાં છે અને તેમણે બાંગ્લાદેશમાં અરાજકતા માટે અમેરિકા જવાબદાર હોવાનો આરોપ મૂક્યો છે. શેખ હસીનાએ એમ પણ કહ્યું છે કે અમેરિકાએ શેખ હસીનાને સત્તા પરથી હટાવવાની યોજના બનાવી હતી કારણ કે તેમણે અમેરિકાને સેન્ટ માર્ટિન આઈલેન્ડ આપવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકાએ બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન ટાપુ છીનવીને ત્યાં નૌકા અને સૈન્ય મથક સ્થાપવાની યોજના બનાવી હતી. જેના દ્વારા અમેરિકા બંગાળની ખાડી પર પોતાનો પ્રભાવ ઉભો કરી શક્યું હોત.
અમેરિકાને સેન્ટ માર્ટિન આઈલેન્ડ જોઈતો હતો, પણ હસીનાએ તે ન આપ્યો, પરિણામે, અમેરિકાએ તેમને સત્તા પરથી દૂર કરવા માટે વિવિધ રાજકીય યુક્તિઓ રમી અને તેઓ તેમાં સફળ થયા, એમ શેખ હસીનાએ તેમના નજીકના સંબંધીઓ દ્વારા મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું.
પોતાના નજીકના સહયોગીઓ દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં હસીનાએ કહ્યું હતું કે, ‘મેં રાજીનામું એટલા માટે આપ્યું છે કે મારે મૃતદેહોનો ખડકલો જોવો નહોતો. તેઓ વિદ્યાર્થીઓને મારીને પર સત્તામાં આવવા માંગતા હતા, જો મેં સેન્ટ માર્ટીન ટાપુની સાર્વભૌમત્વ યુનાઇટેડ સ્ટેટ્સને સોંપી દીધું હોત અને તેને બંગાળની ખાડીમાં તેનું વર્ચસ્વ સ્થાપિત કરવાની મંજૂરી આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત, પરંતુ મેં આની મંજૂરી નહીં આપી, મેં વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું. હું દેશની જનતાને વિનંતી કરું છું કે કેટલાક કટ્ટરપંથીઓ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની રાજનીતિનો શિકાર ન થાઓ.
અત્રે એ નોંધનીય છે કે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ 15 ડિસેમ્બર 2023ના રોજ એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે જો શેખ હસીના આગામી ચૂંટણીમાં સત્તામાં આવશે તો અમેરિકા તેમની સરકારને ઉથલાવી દેવા માટે તેની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે. તેમણે ચેતવણી આપી હતી કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન લાવવા માટે અમેરિકા અરાજકતાની સ્થિતિ ઊભી કરશે. તેમની વાત સાચી પડી છે. બાંગ્લાદેશ આજે હિંસા અને અરાજક્તાના દોરમાંથી ગુજરી રહ્યું છે અને શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે.
બાંગ્લાદેશમાં શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે યુવાનોએ મોટું આંદોલન કર્યું છે. દોઢ મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું છે અને બે સપ્તાહ પહેલા આ આંદોલને હિંસક વળાંક લીધો હતો. જેના કારણે બાંગ્લાદેશમાં અરાજકતા સર્જાઈ હતી. પરિણામે, શેખ હસીનાએ 4 ઓગસ્ટના રોજ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું અને 5 ઓગસ્ટના રોજ, તેઓ બાંગ્લાદેશી વાયુસેનાના વિમાનમાં ભારત આવ્યા. ભારત સરકારે તેમને સલામત સ્થળે રાખ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ બાંગ્લાદેશમાં વિકાસ અને શેખ હસીનાની સુરક્ષા પર નજર રાખી રહી છે.