ઈન્ટરવલ

એક હસીના થી… વિશ્ર્વમાં સૌથી લાંબું શાસનકરનારી મહિલા નેતા શેખ હસીનાનું પતન કેમ થયું?

ચીન-પાકિસ્તાને શી ભૂમિકા ભજવી?

સંગિક -અમૂલ દવે

પિતાની ભૂલ દોહરાવાનું બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને એટલું ભારે પડ્યું કે જે દેશમાં સતત ૧૫ વર્ષ સુધી શાસન કર્યું એ જ દેશમાંથી પોણા કલાકમાં નીકળી જવું પડ્યું. વિદાયવેળાનું પ્રવચન પણ દઈ શક્યાં નહીં.

બાંગ્લાદેશનો સત્તાપલટો નાટ્યાત્મક છે, પરંતુ અનપેક્ષિત નથી. અનામત આંદોલનની આગને ગંભીરતાથી ઓલવવાના પૂરતા પ્રયાસ ન કરવા હસીનાને ભારે પડ્યા છે. આ આંદોલનની પાછળનું ચીન અને પાકિસ્તાનનું કાવતરું હસીના સમજી શકી નહીં. આ બે દેશે ભારત તરફી હસીનાને સત્તા પરથી ઉથલાવવા એક આખી રણનીતિ ઘડી હતી. આ ષડયંત્ર હસીનાની સરમુખત્યારશાહી અને એક અયોગ્ય ટિપ્પણીને લીધે સફળ થઈ. એમની સામે થયેલો બળવો એ સુઆયોજિત ષડયંત્રનો ભાગ છે. આ સત્તા પરિવર્તનનેલીધે ભારતને ચોમેરથી ઘેરવાનો ચીન અને પાકિસ્તાનનો વ્યૂહ સફળ થયો છે.

હસીનાના દૂરના સગા હોવા છતાં સંકેતો બતાડે છે કે લશ્કરના વડા વાકેર-ઉર-ઝમાન વિરોધી પક્ષો તરફ અઢળક ઢળેલા છે. પાકિસ્તાન તરફી ઉદ્દામવાદી તત્ત્વો ‘જમાતે ઇસ્લામી’ અને ભારતવિરોધી ‘બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ ને હંગામી સરકારમાં સ્થાન મળશે, પરંતુ હસીનાની: ‘અવામી લીગ’ની આમાંથી બાદબાકી કરાશે. ભારત બાંગ્લાદેશ સાથે ૪૦૯૬ કિલોમીટરની સરહદ ધરાવે છે. આ સરહદ પાંચ રાજ્ય પશ્ર્ચિમ બંગાળ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને મિઝોરમમાં છે. ભારતે આ સરહદ સીલ કરીને અગમચેતીના પગલાં લીધાં છે. આ સરહદેથી બાંગ્લાદેશની ઘુસણખોરીનો તો મોટો ઇતિહાસ છે. આ સરહદેથી ભારતવિરોધી પ્રવૃત્તિ વધે એવી આશંકા છે.

પહેલાં તો એ સમજીએ કે ચીન અને પાકિસ્તાને હસીનાને ઉથલાવવાના કાવતરાને કઈ રીતે અંજામ આપ્યો. બાંગ્લાદેશ વિદ્યાર્થીનું આંદોલન હંમેશાં ગેમ ચેન્જર રહ્યું છે અને હાલમાં પણ એ જ બન્યું. ચીન અને પાકિસ્તાને આ આંદોલનને હવા આપી. પહેલી જુલાઈએ સ્ટુડન્ટ્સે ૧૯૭૧ની આઝાદીના યુદ્ધ લડનાર પીઢના સંગાવહાલાઓ માટે સરકારી નોકરીમાં રખાયેલા ૩૦ ટકા અનામત સામે આંદોલન શરૂ કર્યું. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે આ અનામત અવામી લીગના ટેકેદારોની ફેવર કરે છે. ૧૬થી ૨૦ જુલાઈ દરમિયાન આ આંદોલન હિંસક બન્યું અને આમાં ૨૦૦ લોકોએ જાન ગુમાવ્યા. આમાં મોટા ભાગના સ્ટુડન્ટસ હતા. ૨૧ જુલાઈએ સુપ્રીમ કોર્ટે અનામતના ક્વોટા ઘટાડીને પાંચ ટકા કર્યા. હસીનાને લાગ્યું કે આનાથી આંદોલન શાંત પડી જશે, પરંતુ એવું થયું નહીં. બીજી ઓગસ્ટે આંદોલનકારીઓ પાછ શેરીમાં દેખાયા અને આ વખતે એમણે હસીનાનું વડા પ્રધાનપદેથી રાજીનામું માગ્યું. ચાર ઓગસ્ટ અને પાંચ ઓગસ્ટની તાજી હિંસામાં વધુ ૧૬૬ જણનાં મરણ થયાં.

સોમવારના સત્તા પરિવર્તનના છ કલાક તપાસીએ તો માલૂમ પડશે કે હસીનાની રવાનગી અગાઉથીજ નિશ્ર્ચિત કરવામાં આવી હતી. સવારના ૧૧ વાગ્યાથી આંદોલનકારીઓએ સંચારબંદીના આદેશની અવહેલના કરીને જંગી કૂચ શરૂ કરી. પોલીસના પેટ્રોલિંગ, બેરિકેડ અને ટિયરગેસ છોડવા છતાં પરિસ્થિતિ કાબૂમાં આવી નહીં. બપોરે અઢી વાગ્યે હસીના પાસેથી રાજીનામું લેવામાં આવ્યું અને એમને ભારત મોકલી દેવામાં આવ્યા. બાંગ્લાદેશની ગલીઓમાં ઉત્સવ જેવો માહોલ સર્જયો. હજારો લોકો હસીનાના ઘરમાં ઘૂસીને તોડફોડ અને લૂંટ શરૂ કરી. બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનના પૂતળાને હથોડીથી તોડી નાખવામાં આવ્યું. હિન્દુ મંદિરો પર હુમલા થયા. બપોરે સાડાત્રણ વાગ્યે લશ્કરના વડાએ જાહેરાત કરી કે આર્મીએ દેશ પર કબજો કરી લીધો છે અને વચગાળાની સરકાર સત્તા ચલાવશે. લોકો સંસદના મુખ્ય હોલમાં ઘૂસી ગયા.

હસીનાની તાજેતરની ચીનની મુલાકાત દરમિયાન એવાં અણસાર મળ્યા હતા કે ચીન અને પાકિસ્તાન બાંગ્લાદેશમાં કંઈક મોટું કરવાના છે, પરંતુ હસીના એ વાત સમજયાં નહીં. આખું કાવતરું શ્રીલંકાની૨૦૨૨ની આર્થિક કટોકટી અને લોકોના વિરોધના આધારે ઘડાયું હતું. ચીન અને પાકિસ્તાનને આમાં વાર એટલે લાગી કારણ કે હસીનાના શાસનમાં બાંગ્લાદેશે ઘણો વિકાસ કર્યો હતો અને તેની આર્થિક સ્થિતિ શ્રીલંકા જેવી નહોતી.

આથી અનામતના મુદ્દાને ચગાવવામાં આવ્યો. અનામતની આગના નામે હસીનાનું વડા પ્રધાનપદ ઝુંટવી લીધું.

હસીના ચીનની મુલાકાતે ગયાં ત્યારે ચીને એમનું હડહડતું અપમાન કર્યું હતું. ૨૦૧૬માં ચીનના પ્રમુખ શી જિનપિન્ગે બાંગ્લાદેશ માટે નાણાકીય સહાયના અનેક પ્રોજેક્ટ જાહેર કર્યા હતા. હસીના ચીન પાસે મોટું આર્થિક પેકેજ માંગવા ગયાં હતાં, પરંતુ ચીનેં એમને ઠંડો અને નિરુત્સાહી આવકાર આપ્યો. ચીનના પ્રમુખે હસીનાને મુલાકાત આપી નહોતી. મુલાકાતનું આમંત્રણ ચીને જ આપ્યું હતું, પરંતુ હસીનાને અપમાનિત કરવામાં આવ્યાં હતાં.

આ સિનારિયો જોઈને હસીનાએ મુલાકાત ટૂંકાવીને એક દિવસ પહેલાં જ ઢાકા પાછા ફર્યા હતા. ભારતનું ગુપ્તચર ખાતું માને છે કે આ આખો ખેલ ચીન અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ‘આઈએસઆઈ’નો છે. ભારતના વિદેશ પ્રધાન જયશંકર સંસદમાં કહે છે કે હસીના પાસે બળજબરીથી રાજીનામું લખાવામાં આવ્યું અને એમને હટાવવાનું મોટું ષડયંત્ર રચાયું હતું. ‘જમાતે ઈસ્લામી’ની વિદ્યાર્થીની પાંખ ઈસ્લામીછાત્ર શિબિરે (આઈસીએસ) આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જમાતે ઇસ્લામી ભારત વિરોધી અને પાક તરફી વલણ માટે જાણીતી છે. જમાતે ઈસ્લામીએ આંદોલન કરવા અને એને ઉગ્ર બનાવવા મહિનાઓથી મહેનત કરી હતી. પાકિસ્તાનમાં કામ કરતી ચીનની એન્ટિટીએ આને જંગી ભંડોળ આપ્યું હતું. આઈસીએસ પાકિસ્તાન સાથે કડી ધરાવતી હોવાથી તેના પર ભારતની નજર હતી. જમાતે ઈસ્લામી બાંગ્લાદેશમાં તાલિબાન જેવી સરકાર રચવા માગે છે. આઈસીએસના સભ્યોને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રીતસરનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

બીજી તરફ, હસીના ભારત સામેનાં આતંકવાદી સંગઠનો અને પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી નહોતી ચીનને આની જ ચીડ હતી. ઢાકામાં પાકિસ્તન તરફી સરકારથી ચીનને મોટો ફાયદો થાય એમ છે. ચીનના વિદેશખાતાએ સ્ટુડન્ટસ પ્રોટેસ્ટને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે..

ભારતના વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું છે કે બાંગ્લાદેશની પરિસ્થિતિ હજુતો આકાર લઈ રહી છે. મુસ્લિમ દેશો અને બાંગ્લાદેશમાં લશ્કરી બળવો અને લશ્કરી સરમુખત્યારનું શાસન એ નવી વાત નથી.
જનરલ ઝિયા-ઉર-રહેમાન અને જનરલ ઈર્શાદ આના દાખલા છે. જનરલ ઝિયા ઉર રહેમાને ૧૯૭૫થી ૧૯૮૧ સુધી રાજ કર્યુ છે. જનરલ ઈર્શાદે ૧૯૮૨માં બળવો કર્યો હતો. એમણે ઈસ્લામને દેશનો ધર્મ બનાવ્યો હતો. ૧૯૯૦માં રાજકીય આંદોલને એમની સત્તા ઉથલાવી હતી અને લોકશાહીની ફરી સ્થાપના કરાઈ હતી.

હવે સત્તાનાં સૂત્રો લશ્કરી જનરલ વાકેર ઉર ઝમાનના હાથમાં છે. ચાર દાયકા લશ્કરમાં સેવા બજાવ્યા બાદ એ જનરલ બન્યા છે. આ ચશ્માધારીને ૨૩ જૂને જ જનરલ બનાવવામાં આવ્યા છે. એમના સસરા હસીનાના ૧૯૯૬થી ૨૦૦૦ સુધીના સમયગાળામાં લશ્કરના વડા હતા. ૫૭ વષર્ના ઝમાન સત્તાનો સ્વાદ ચાખ્યા બાદ સત્તા ન છોડે એવું પણ બની શકે.

કઈ ટિપ્પણી ભારે પડી?
હસીના વિશ્ર્વમાં સૌથી લાંબું શાસન કરનાર મહિલા વડાં રહ્યાં. અનામત આંદોલનને એમણે ગંભીરતાથી લીધાં નહોતાં. આંદોલનકારીઓ પર પોલીસ અને લશ્કરે દમન કર્યા હતા. હસીનાએ આંદોલનકારીઓને ‘દેશદ્રોહી’ કહ્યા હતા. એમણે એવો સવાલ કર્યો હતો કે ‘અનામત ૧૯૭૧ના આઝાદીના સંગ્રામીને નહીં તો શું રઝાકરને આપવી જોઈએ ?’ બંગલાદેશની આઝાદીની ચળવળ વખતે પાકિસ્તાનને સાથ આપનારા લોકો માટે ‘રઝાકર’ એવો શબ્દપ્રયોગ વપરાય છે. આ ટકોરને લીધે એમની સામેનું આંદોલન ઉગ્ર બનતું ગયું અને એ જ એમનાં પતનનું નિમિત્ત બન્યું.

મુજીબરનાં બ્લન્ડરમાંથી પાઠ ન શીખ્યાં
હસીનાએ પણ પિતા મુજીબુરરહેમાનની જેમ અહંકારી, ઉદ્ધત અને તાનાશાહ બનીને કુહાડી પર જ પગ માર્યો હતો. ભારતે૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધ જીતીને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા. પાકિસ્તાનના લશ્કરની એટલી નામોશી થઈ હતી કે પાકિસ્તાનના આખા લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી. ૧૯૭૦ની પાકિસ્તાનની ચૂંટણીમાં અવામી લીગે ૧૬૯માંથી ૧૬૭ બેઠક જીતી હતી. આને લીધે નેશનલ એસેમ્બલીમાં એમને પ્રભુત્વ મળ્યું હતું. યાહ્યા ખાને સત્ર મોકૂફ રાખ્યું હતું. યાહ્યા ખાને એક બાજુ રહેમાન સાથે વાતચીત શરૂ કરી હતી અને બીજી બાજુ લશ્કરને મોકલીને સ્વાયત્તાની ચળવળને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો આને લીધ પૂર્વ પાકિસ્તાનની આઝાદીની ચળવળ શરૂ થઈ હતી. પાકિસ્તાને વિરોધી નેતાઓને લક્ષ્ય. બનાવીને એમની હત્યા કરવાનું ચાલુ કર્યું હતું.

ભારતે ૧૯૭૧માં વિજય મેળવ્યા બાદ રહેમાનને જાન્યુઆરી ૧૯૭૨માં મુક્ત કરવામાં આવ્યા હતા.રહેમાને ‘અવામી લીગ’ની સ્થાપના કરીને સરકારની રચના કરી હતી. એમણે ઈસ્લામીક પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો. બંધારણમાં સમાજવાદ, રાષ્ટ્રવાદ અને ધર્મનિરપેક્ષતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જોકે રહેમાને દેશના આર્થિકવિકાસ પર ધ્યાન આપ્યું નહોતું. એમનો મુખ્ય મદાર એમના મોહક વ્યક્તિત્વ પર હતો.વિરોધ પક્ષ પર દમન કરવાની નીતિ એમણે અપનાવી હતી ૧૯૭૫માં એમણે કટોકટીની જાહેરાત કરી હતી. લોકોના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. એક પક્ષની પ્રમુખશાહી અમલમાં આવી હતી. સામાજિક ક્રાંતિ લાવવા એમણે પોતાનેપ્રમુખ જાહેર કર્યા હતા.

જો કે, લશ્કર આ મુલકી તાનાશાહીનો અંત બળવા વડે લાવ્યો હતો. ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫માં લશ્કરી દળોએ મુજીબુર રહેમાન અને એમના ૪૦ કુુટુંબીજનોની કરપીણ હત્યા કરી હતી. જોકે હસીના અને એમનાં બહેન રેહાના જર્મનીમાં હતાં એટલે બચી ગયાં હતાં. આ બન્ને બહેનો હવે ભારત આવી ગયાં છે. હવે બંગબંધુ મુજિબુરના બધા કુુટુંબીજનોએ બાંગ્લાદેશ છોડી દીધો છે. હસીનાની પુત્રી સૈમા ભારતમાં જ હુના ડિરેક્ટરની ફરજ બજાવે છે. હસીનાનો પુત્ર વાઝેદ ઈંગ્લેન્ડમાં છે. એણે તો કહી દીધું છે કે હસીના હવે રાજકારણમાં પાછા નહીં આવે. બે બળવા બાદ જનરલ જીયા ઉર રહેમાન બંગાલદેશના શાસક બન્યા હતા અને એમણે૧૯૮૧ સુધી રાજ કર્યું હતું. ૧૯૮૧માં એમની પણ હત્યા થઈ હતી.

હસીના પણ પોતાના પિતાની જેમ અહંકારી અને સરમુખત્યાર બન્યાં હતા. પોતાના વિરોધીઓને જેલમાં નાખી દીધા હતા.વિરોધ પક્ષના નેતાં ખાલીદા ઝિયાને જેલમાં ધકેલી દીધાં હતાં. રાજકીય હરીફોનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ૨૦૧૪ અને ૨૦૨૪માં વિરોધ પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કરતાં એમણે આસાન વિજય મેળવ્યો હતો. ૨૦૨૪માં ૩૦૦માંથી ૨૨૪ બેઠક જીતીને એ સત્તા પર આવ્યાં હતાં. ચૂંટણીમાં મોટી ઘાલમેલ કરવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે હસીનાની વિદાય બાદ ઝિયા ઉર રહેમાનનાં વિધવા અને બીએનપીનાં નેતા ખાલીદા ઝિયાને મુક્ત કરવામાં આવ્યાં છે અને હાલની વચગાળાની સરકારમાં એમનું મોટું યોગદાન હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…