તમિલનાડુમાં નાસભાગ મામલે શશિ થરૂરે આપ્યું નિવેદન, કહ્યું… આવી સ્થિતિ માટે પ્રોટોકોલ બનવા જોઈએ…

તમિલનાડુમાં ગઈકાલે એક્ટર અને રાજકારણી વિજયની રેલીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રેલી દરમિયાન નાસભાગ સર્જાઈ હતી, જેના કારણે 40 લોકોના જીવ ગયા હતા અને 95થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે, અને પીએમ મોદીથી લઈને અન્ય નેતાઓએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ ભીડ નિયંત્રણની ખામીઓને પણ ઉજાગર કરી છે.
કરૂરમાં એક્ટર અને રાજકારણી વિજયની રેલી દરમિયાન અચાનક નાસભાગ થવાથી 40 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 95થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા શશિ થરૂરે શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. આ ઉપરાંત, મુખ્યમંત્રી અને વડાપ્રધાને મૃતકો અને ઘાયલો માટે આર્થિક સહાયની જાહેરાત પણ કરી.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી અને દેશમાં ભીડ નિયંત્રણની ખામીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આવી ઘટનાઓ દર વર્ષે બનતી રહે છે, જેમાં ખાસ કરીને બાળકોના મોતની ઘટનાઓ હૃદયદ્રાવક હોય છે. થરૂરે કેન્દ્ર અને રાજ્ય સરકારને આવી ઘટનાઓ રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે ભીડ નિયંત્રણ માટે સખત નિયમો અને પ્રોટોકોલ ઘડવાની અપીલ કરી, જેથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.
આ દુર્ઘટનાને પગલે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ રાહત ફંડમાંથી મૃતકોને 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી. આ ઉપરાંત, વિજયે પણ મૃતકોના પરિવારોને 20 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી, જેનાથી પીડિતોને થોડી રાહત મળે.
આ પણ વાંચો…મહાકુંભ મેળાથી લઈને વિજયની રેલી સુધી: આ વર્ષે સર્જાઈ નાસભાગની 5 દુર્ઘટનાઓ