PM Modi ની પ્રશંસા કરતાં થરૂરને પાર્ટીના નેતાઓ તરફથી આકરો ઠપકો, જાણો શું છે મામલો...
નેશનલ

PM Modi ની પ્રશંસા કરતાં થરૂરને પાર્ટીના નેતાઓ તરફથી આકરો ઠપકો, જાણો શું છે મામલો…

નવી દિલ્હી: ઑપરેશન સિંદૂર બાદ સરકાર દ્વારા વિદેશમાં ડેલિગેશન સાથે મોકલાયેલા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર પાછલા કેટલાક સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. ક્યારેક તેઓ લેખ લખીને તો ક્યારેક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. જેને લઈને હવે કૉંગ્રેસના જ નેતાઓએ તેમની સામે વાકયુદ્ધ શરૂ કર્યું છે.

શશિ થરૂરે કેવી રીતે કર્યા વડા પ્રધાનના વખાણ?
શશિ થરૂરે 25 જૂનના રોજ એક્સ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “ઉડવા માટે મંજૂરી ન માંગશો, પાંખો તમારી છે અને આકાશ કોઈનું નથી.” આ સિવાય તેમણે એક અંગ્રેજી અખબારમાં આર્ટિકલ પણ લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઊર્જા, તેમનું બહુપક્ષીય વ્યક્તિત્વ અને વાતચીતની તત્પરતા વૈશ્વિક મંચ પર ભારત માટે એક મહત્ત્વની મૂડી બની ગઈ છે. પરંતુ તેને વધારે સહકાર અને સમર્થનની જરૂર છે.”

શશિ થરૂરને કૉંગ્રેસી નેતાઓનો જવાબ
શશિ થરૂરના લેખને લઈને કૉંગ્રેસે જણાવ્યું છે કે, તેમનો લેખ એ કૉંગ્રેસ પક્ષનો અભિપ્રાય નથી. આ સિવાય તેમની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કૉંગ્રેસના નેતા અને સાંસદ મણિકમ ટાગોરે જણાવ્યું કે, “ઉડવાની મંજૂરી ન માગશો. પક્ષીઓને ઉડવા માટે મંજરીની જરૂર હોતી નથી. પરંતુ આજના સમયમાં એક આઝાદ પક્ષીને પણ આકાશમાં જોવું પડે છે. કારણ કે બાજ, ગીધ અને સમડી જેવા પક્ષીઓ શિકાર કરતા ફરે છે. આઝાદી મફતમાં નથી, ખાસ કરીને ત્યારે, જ્યારે શિકારી દેશભક્તિને પાંખની જેમ પહેરે છે.”

શશિ થરૂરના લેખને લઈને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, “પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર વિપક્ષ સેના સાથે ઊભો છે. અમે કહ્યું છે કે કે દેશ પહેલા પક્ષ પછી. પરંતુ કેટલાક લોકોને લાગે છે કે મોદી પહેલા અને દેશ પછી. હવે અમે શું કરી શકીએ?”

શશિ થરૂરે કરી પ્રતિનિધિમંડળની આગેવાની
ઉલ્લેખનીય છે કે, ઑપરેશન સિંદૂર બાદ સરકારે જુદા જુદા પક્ષના સાત સાંસદોના નેતૃત્ત્વમાં પ્રતિનિધિમંડળ બનાવીને જુદા જુદા દેશોમાં મોકલ્યું હતું. જેમાં શશિ કૉંગ્રેસમાંથી શશિ થરૂરની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના કાળા કરતૂતોનો પર્દાફાશ કરવાનું કામ કર્યું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી શશિ થરૂર કૉંગ્રેસ છોડશે એવી અટકળો પણ વહેતી થઈ છે.

આપણ વાંચો : ‘મારા કોંગ્રેસ સાથે કેટલાક મતભેદ છે’ શશિ થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button