દિલ્હી રમખાણો 2020: શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સહિત 9 આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હી રમખાણો 2020: શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ સહિત 9 આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં થયેલી દિલ્હી રમખાણોના આરોપીઓને લઈને દિલ્હી હાઈ કોર્ટે મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ ચૂકાદો આરોપીઓ માટે નિરાશાજનક છે. દિલ્હી રમખાણો સાથે જોડાયેલા તમામ આરોપીઓની જામીન અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી છે.

દિલ્હી રમખાણો એ ભારતને બદનામ કરવાનું કાવતરું

દિલ્હી રમખાણોમાં છેલ્લા 5 વર્ષથી જેની ધરપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે એવા શરજીલ ઇમામ, ઉમર ખલિદ, મોહમ્મદ સલીમ ખાન, શિફા ઉર રહમાન, અતહર ખાન, મીરાન હૈદર, અબ્દુલ ખાલિદ સૈફી, તસ્લીમ અહમદ અને ગુલફિશા ફાતિમાએ દિલ્હી હાઈ કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ કરી હતી. જેને લઈને આજે જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ શૈલેન્દ્ર કોરની ખંડપીઠે સુનાવણી કરી હતી.

આ પણ વાંચો: દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રિમ કોર્ટે આપી રાહત, જેલની બહાર જશે પણ…

સુનાવણીમાં સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, આ ભારતને વિશ્વમાં બદનામ કરવાનું કાવતરૂં હતું. તેથી લાંબા સમયથી તેઓ કેદમાં છે એના આધારે તેઓને જામીન આપવા યોગ્ય ગણાશે નહીં. પ્રોસિક્યુટરે જામીન અરજીને વિરોધ કરતા દલીલ કરી હતી કે, માત્ર રમખાણોનો જ મામલો નથી. પરંતુ એક એવો મામલો છે, જ્યાં રમખાણોનું કાવતરું પહેલાથી જ એક ભયજનક હેતુ અને સારી રીતે સમજીને ષડયંત્ર સાથે ઘડવામાં આવ્યું હતું.

9 આરોપીઓને જામીન નહીં

પ્રોસિક્યુટરની દલીલને આધારે દિલ્હી હાઈ કોર્ટની ખંડપીઠે, દિલ્હી રમખાણોના 9 આરોપીઓની જામીન અરજી ફગાવીને જામીન આપવાની ના પાડી દીધી છે. અગાઉ 10 જુલાઈના રોજ આ આરોપીઓની જામીન અરજી પણ સુનાવણી બાદ નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. તે સુનાવણી સમયે દિલ્હી પોલીસે આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, “આ કોઈ સ્વયં સ્ફૂરિત રમખાણો નહીં, પરંતુ સુનિયોજીત કાવતરું હતું.”

આ પણ વાંચો: દિલ્હી રમખાણોના કેસમાં આરોપી ઉમર ખાલિદને કોર્ટે રાહત ન આપી, જામીન અરજી ફગાવી

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2020માં દિલ્હી ખાતે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આંદોલનકારીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. એ સમયે કેટલાક કારણોસર શહેરમાં અનેક સ્થળોએ રમખાણો શરૂ થઈ ગઈ હતી. આ રમખાણોમાં હિંદુ અને મુસ્લિમ મળીને કુલ 53 લોકોના મૃત્યુ થયા હતા. આ રમખાણોના કાવતરાને લઈને શરજીલ ઇમામ અને ઉમર ખાલિદની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button