આ તે કેવી શિક્ષણ વ્યવસ્થા?: ઓડિશા બાદ હવે નોઈડામાં વિદ્યાર્થિનીની આત્મહત્યા, કારણ પણ સરખા

ગ્રેટર નોઈડા: તાજેતરમાં ઓડિસાની એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ શિક્ષક દ્વારા જાતિય સતામણીથી કંટાળીને આત્મદાહ કર્યો હતો. આ ઘટનાને એક અઠવાડિયું થવા આવ્યું હતું, ત્યારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીમાં પણ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે.
વિદ્યાર્થિનીએ કેમ કરી આત્મહત્યા?
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતે શારદા યુનિવર્સિટી આવેલી છે. જેમાં હરિયાણાના ગુરુગ્રામના અશોક વિહારની વતની એવી જ્યોતિ નામની યુવતિ બીડીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને કોલેજની મંડેલા ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. 18 જુલાઈ 2025ને શુક્રવારના રોજ તે પોતાના રૂમમાં એકલી હતી. તેના રૂમ પાર્ટનર બહાર ગયા હતા.
આ પણ વાંચો: દિલ્હીમાં ગૂમ થયેલી ત્રિપુરાની વિદ્યાર્થિનીની લાશ યમુના નદીમાંથી મળી; આત્મહત્યાની આશંકા, તપાસ શરૂ
સાંજે સાત વાગ્યે એક વિદ્યાર્થિનીએ જોયું કે જ્યોતિના રૂમનો દરવાજો અંદરથી બંધ છે. તેણે દરવાજાને ધક્કા માર્યા. બીજા ધક્કે દરવાજો ખુલી ગયો હતો. પરંતુ જેવો દરવાજો ખુલ્યો અને અંદરનું દૃશ્ય જોઈને વિદ્યાર્થિની ચોંકી ગઈ હતી. જ્યોતિએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. વિદ્યાર્થિનીએ હોસ્ટેલના વોર્ડન અને અન્ય વિદ્યાર્થિનીઓને આ અંગે જાણ કરી હતી. આત્મહત્યા અંગે જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યોતિની સુસાઈડ નોટમાં બે નામનો ઉલ્લેખ
તપાસ દરમિયાન પોલીસને જ્યોતિએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. પોતાની આત્મહત્યાના કારણ અંગે સુસાઈડ નોટમાં જ્યોતિએ લખ્યું હતું કે, “જો મારૂ મૃત્યુ થઈ જાય તો તેના માટે પીસીપી અને ડેન્ટલ મેડિકલ કોલેજના શિક્ષક જવાબદાર હશે. મહેન્દ્ર સર અને શૈરી મેડમ મારા મૃત્યુ માટે જવાબદાર છે. હું ઈચ્છું છું કે તેઓ જેલ ભેગા થાય. તેમણે મને માનસિક રીતે હેરાન કરી, મારૂ અપમાન કર્યું. તેમના કારણે હું લાંબા સમયથી ડિપ્રેશનમાં છું. હું ઈચ્છું છું કે, તેમને પણ આ બધું સહન કરવું પડે. માફ કરજો, હવે હું વધારે જીવી નહી શકું. “
આ પણ વાંચો: વાલી ફી ભરી ન શકતા હોવાથી વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા કે પછી કારણ કંઈક અલગ
જ્યોતિના સહપાઠીઓના જણાવ્યાનુસાર, જ્યોતિ પર એક ફાઈલમાં તેના માતા-પિતાની ખોટી સહી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયાના ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર એમ સતત ત્રણ દિવસ તેના પીસીપી (પ્રી ક્લિનિકલ પોસ્થોડૉટ) વિભાગ દ્વારા પાછી મોકલવામાં આવી હતી. જ્યોતિની ફાઈલ તેના એચઓડીને સોંપીવામાં આવી હતી. એચઓડીએ જ્યોતિને સોમવારે તેના માતા-પિતાને બોલાવી લાવવા કહ્યું હતું. સોમવારે જયારે તેના માતા-પિતા આવ્યા, ત્યારે જ્યોતિને તેની ફાઈલ પરત મળી હતી.
આમ, છેલ્લા આઠ દિવસથી જ્યોતિને હતાશા ઘેરી વળી હતી. તેને નાપાસ કરવાની ધમકી પણ આપવામાં આવી રહી હતી. જ્યોતિના આ પગલાથી વિદ્યાર્થીઓમાં પણ ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો છે. યુનિવર્સિટી પ્રસાશન દ્વારા બંને પ્રોફેસરોને સસપેન્ડ કરી દીધા છે. સુસાઈડ નોટના આધારે પોલીસે બંને પ્રોફેસરોની પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે.