6 કે 7 ઓક્ટોબર, આ વર્ષે ક્યારે છે શરદ પૂર્ણિમા? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ…

Sharad Purnima 2025: હિંદુ સનાતન ધર્મમાં નવરાત્રીનું ઘણું મહત્ત્વ છે. શારદીય નવરાત્રી તાજેતરમાં જ સમાપ્ત થઈ છે. જોકે, આ વર્ષે નવરાત્રીમાં બે ત્રીજ આવી હતી. જેથી હવે શરદ પૂર્ણિમા ક્યારે આવશે? એવો સવાલ ઘણા લોકોના મનમાં થઈ રહ્યો છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. શરદ પૂર્ણિમાના સાચા દિવસ વિશેની તમામ માહિતી અમે તમારી માટે લઈને આવ્યા છીએ.
આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે, જેને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ તિથિ છે, કારણ કે આ દિવસે ચંદ્ર તેની તમામ સોળ કળાઓ (તબક્કાઓ) પૂર્ણ કરે છે, અને તે પૃથ્વીની સૌથી નજીક હોય છે.
શરદ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત
હિન્દુ કેલેન્ડર મુજબ, શરદ પૂર્ણિમાની તિથિવ 6 ઑક્ટોબર, 2025ના રોજ આવશે. શરદ પૂર્ણિમાની તિથિનો પ્રારંભ 6 ઑક્ટોબર, 2025ને બપોરે 12:23 વાગ્યે થશે. જ્યારે તેની સમાપ્તી 7 ઑક્ટોબર, 2025, સવારે 9:16 વાગ્યે થશે. શરદ પૂર્ણિમાના દિવસે સવારે 4:39 થી 5:28 સુધી બ્રહ્મ મુહૂર્ત, સવારે 10:41 થી 12:09 સુધી લાભ-ઉન્નતિ મુહૂર્ત, બપોરે 12:09 થી 1:37 સુધી અમૃત-સર્વોત્તમ મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન શ્રદ્ઘાળુઓ સ્નાન-દાન કરી શકશે.
હિન્દુ સનાતન ધર્મ અનુસાર એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં અમૃત જેવો ગુણ હોય છે. આ દિવસે રાત્રે ચાંદનીમાં મૂકવામાં આવેલી ગાયના દૂધની ખીર કે દૂધ પ્રસાદ તરીકે સેવન કરવાથી રોગોથી રાહત મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. આ તિથિએ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે. જોકે, આ દિવસે પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શરદ પૂર્ણિમાની પૂજા વિધિ
શરદ પૂર્ણિમાની પૂજા કરતા પહેલા પવિત્ર નદીમાં અથવા ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ચંદ્ર દેવની પૂજા કરો. તેમને સુંદર વસ્ત્રો, ફળો, ફૂલો, ચોખાના દાણા, ધૂપ, દીવા વગેરે અર્પણ કરો.
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર દેવને દૂધ, ચોખા અને સફેદ ફૂલો ભેળવીને અર્ઘ્ય (જળનો પ્રસાદ) અર્પણ કરો. ત્યારબાદ ગાયના દૂધમાંથી તૈયાર કરેલી ચોખાની ખીર ચાંદનીમાં મૂકો. આ ખીરને બીજા દિવસે સૂર્યોદય પહેલાં તેને પ્રસાદ તરીકે ખાઓ. આ સિવાય પૂર્ણિમાના દિવસે ખોરાક, કપડાં, ચોખા, દૂધ, મીઠાઈ અને દક્ષિણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.