નેશનલ

શક્તિસિંહ ગોહિલનો મોદી પર પ્રહાર: પંકજ મોદીની નોકરી અને પ્રમોશન પર ઉઠાવ્યા સવાલો?

નવી દિલ્હી : ભાજપ અવારનવાર કૉંગ્રેસ પર પરિવરવાદનો આરોપ લગાવતી રહે છે. જેનો જવાબ આપતા કૉંગ્રેસના મોં સિવાઈ જાય છે, પરંતુ હવે એક કૉંગ્રેસી નેતાએ ભાજપ પર પરિવારવાદનો આરોપ લગાવ્યો છે. ખાસ વાત તો એ છે કે કૉંગ્રેસ દ્વારા આ આરોપ સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપને મૂંઝવણમાં મુકી દીધી છે.

ભાજપે કેવી રીતે ચલાવ્યો પરિવારવાદ?

શક્તિસિંહ ગોહિલે વડા પ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદીની નોકરી અને નોકરી બાદની નિમણૂકને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીને વર્ગ 3ની નોકરીમાંથી ક્લાસ વન અધિકારી સુધીની બઢતી કેવી રીતે મળી? નિવૃત્તિ બાદ પણ તેમને વર્ષો સુધી માહિતી ખાતામાં કરાર આધારિત નોકરી કેમ આપવામાં આવી તથા સરદાર પટેલની 150ની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી એકતા પરેડના ટેબ્લો પસંદ કરવાની કમિટીમાં પંકજ મોદીને રોજના દસ હજાર રૂપિયાનું મહેનતાણું કયા આધારે આપવામાં આવ્યું? તેવા સવાલો કરીને શક્તિસિંહ ગોહિલે ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં ટાઈફોઈડના ‘વિસ્ફોટ’ મુદ્દે શક્તિસિંહ ગોહિલ આક્રમક: સરકાર સાચા આંકડા છુપાવતી હોવાનો આક્ષેપ

કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે આજની પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે પરિવારવાદ અને તેમાં પણ મોદીના નાના ભાઈ પંકજ મોદીને ભાજપની સરકારે કેવી રીતે સાચવ્યા તેની કડીબદ્ધ વિગતો આપી છે.
શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું હતું કે, ગુજરાત સરકારે નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજ મોદીને કેવી રીતે નિયમ ભંગ કરીને પ્રમોશન આપ્યું અને ત્યાર પછી પણ પંકજ મોદીના રિટાર્યમેન્ટ પછી કોન્ટ્રેક્ટ ઉપર રાખીને રીતસરની લ્હાણી કરી હતી. કારકુન કેડર જેવા વર્ગ ત્રણમાં ભરતી થયેલા પંકજ મોદી નિવૃત્ત ટાણે કલાસ વન ઓફિસરની પોસ્ટ સુધી પહોંચી ગયા હતા. જયારે તેમની સાથે ભરતી થયેલા રિઝર્વ કેટેગરીના કર્મચારીઓ પણ વર્ગ એક સુધી પણ પહોચી શક્યા નહોતા.

એકતા પરેડના ટેબ્લો શંકાના દાયરામાં

શક્તિસિંહ ગોહિલે ગૃહ વિભાગના કેટલાક ઓર્ડરની કોપી બતાવીને વાંચી સંભળાવી હતી અને કહ્યું હતું કે, કોઈપણ જાતની ઇમર્જન્સી ન હોવા છતાં ટાઈમ નથી એવો દાવો કરીને સિલેક્ટેડ પાંચ કંપનીઓ પાસે જ એકતા પરેડના ટેબ્લો બનાવનાનો આદેશ શંકાના દાયરામાં આવે છે. તેમાં પણ બે કંપની તો પતિ-પત્ની ચલાવે છે. આટલું ઓછું હોય તેમ ટેબ્લો પસંદ કરવાની કમિટીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીને રોજના દસ હજાર રૂપિયાના મહેનતાણા અને અન્ય સુવિધાઓ સાથે કયા આધારે પસંદ કરવામાં આવ્યા તે સમજાય તેવું નથી.

આ પણ વાંચો : શક્તિસિંહ ગોહિલનું રાજીનામુંઃ પ્રદેશ કૉંગ્રેસનું અધ્યક્ષપદ છોડ્યું

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, માહિતી ખાતામાં મોદીના ભાઈ પંકજ મોદી સાથે કામ કરી ચૂકેલા કે અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર, પંકજ મોદી વર્ષ 2006થી ટેબ્લો અંગેનું કામ સંભાળી રહ્યા છે. મતલબ કે, જે કામ તેઓ નોકરીમાં રહીને કરતા હતા તે નિવૃત્તિ પછી પણ કરતા રહ્યા હતા. તેના માટે ભાજપની સરકારે તેમને નોકરીમાં પગાર પણ ના મળે તેનાથી વધુ રકમ આપી છે. એકતા પરેડના ટેબ્લો માટે પણ એટલે જ પંકજ મોદીને લાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા જ આ મુદ્દે રાજકારણ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button