લાલ કિલ્લા બ્લાસ્ટ મોડ્યુલ: તપાસમાં ખુલ્યા ડો.શાહીન સઈદના પાસપોર્ટના રહસ્યો

નવી દિલ્હી: દિલ્હીના લાલ કિલ્લા બ્લાસ્ટ મોડ્યુલની તપાસમાં પકડાયેલા ડોક્ટર શાહીન સઈદના પાસપોર્ટ સાથે જોડાયેલા મહત્વના તથ્યો સામે આવ્યા છે. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે 1996થી અત્યાર સુધી શાહીને કુલ ત્રણ પાસપોર્ટ બનાવ્યા, અને દરેકમાં તેનું સરનામું અલગ-અલગ હતું. વારંવાર સરનામું બદલવા અને મુદત પૂરી થાય તે પહેલાં પાસપોર્ટ રિન્યુ કરાવવા પર એજન્સીઓએ તપાસને વધુ ગાઢ બનાવી છે.
ઉલ્લેખનીય છે કે, પહેલો પાસપોર્ટ 1996થી 2006 સુધીનો હતો, જેમાં લખનઊના કંધારી બજાર, કૈસરબાગનું સરનામું હતું. તે સમયે શાહીન મેડિકલની તૈયારી કરતી હતી અને પાસપોર્ટનો ઉપયોગ સામાન્ય મુસાફરી માટે થતો હતો. બીજો પાસપોર્ટ 2006થી 2016 સુધીનો હતો, જેમાં કાનપુરના જીએસવીએમ મેડિકલ કોલેજનું સરનામું નોંધાયું હતું. ત્રીજો પાસપોર્ટ 2016થી 2026 સુધીનો છે, જેમાં લખનઊમાં ભાઈ પરવેજના ઘરનું સરનામું છે.
આ ત્રીજા પાસપોર્ટથી શાહીને થાઈલેન્ડની મુલાકાત લીધી અને સાઉદી અરેબિયામાં લગભગ બે વર્ષ નોકરી કરી. 2016 થી 2018 સુધી તે યુએઈના એક હોસ્પિટલમાં કામ કરતી હતી, જે સમયગાળાને તપાસ એજન્સીઓ મહત્વનો માને છે. આ જ સમયે તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંપર્કમાં આવી હોવાની શંકા છે. તેના વસ્ત્રો, વર્તન અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર પણ તપાસ ચાલી રહી છે.
2026 સુધી માન્ય ત્રીજા પાસપોર્ટને માર્ચ 2025માં જ રિન્યુ કરાવી લીધો, જેમાં ફરી સરનામું બદલાયું. હાલનું સરનામું ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી અને કાયમી સરનામું પરવેજ અંસારીનું લખનઊનું ઘર છે. પિતાના નામને બદલે ભાઈનું નામ નોંધાવવું અને વારંવાર સરનામું બદલવું શંકાસ્પદ માનવામાં આવે છે.
આપણ વાંચો: સાઉદી અરેબિયામાં ગોઝારો બસ અકસ્માત; તેલંગાણાના 42 લોકોનાં મોત, મુખ્ય પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું



