લોકસભા ચૂંટણીઃ ભાજપની સાતમી યાદી જાહેર, નવનીત રાણાને અમરાવતીથી આપી ટિકિટ
નવી દિલ્હી/મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સાતમી યાદી જારી કરી છે, જેમાં મહારાષ્ટ્રમાં અમરાવતીની સીટ પરથી ઉમેદવારનો સમાવેશ થાય છે. અમરાવતી બેઠક ઉપરના પોતાના ઉમેદવારનું નામ પણ સામેલ કરવામાં આવ્યું હતું. બધાને અપેક્ષા હતી એ મુજબ અમરાવતીના હાલના અપક્ષ સાંસદ નવનીત રાણાને ભાજપે આ બેઠક ઉપરથી ઉમેદવારી આપી છે.
છેલ્લા ઘણા સમયથી નવનીત રાણા અને મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતૃત્વ વચ્ચે વાતચીતોનો દોર ચાલી રહ્યો હતો અને નવનીત રાણાના પતિ તેમ જ અમરાવતી ખાતેના અપક્ષ વિધાનસભ્ય રવિ રાણા પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા મુંબઈ આવી ચૂક્યા હતા. ત્યારથી જ નવનીત રાણા મહાયુતિમાં પ્રવેશ કરશે તેવી અટકળો ચાલી રહી હતી.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપના દિગ્ગજ ચહેરા ઉતરશે પ્રચારના મેદાનમાં
આજે ભાજપે અમરાવતી (એસસી) બેઠક પરથી અપક્ષ સાંસદ નવનીત રાણાને ટિકિટ આપી છે, જ્યારે કર્ણાટકના ચિત્રદુર્ગ (એસસી)ની બેઠક પરથી દોવિંદ કરજોલથી ઉમેદવાર જાહેર કર્યાં છે. ગઈકાલે ભાજપે પોતાની છઠ્ઠી યાદીમાં ત્રણ ઉમેદવારને જાહેર કર્યાં હતા, જેમાં રાજસ્થાન અને મણિપુર લોકસભાની સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા
જોકે, હવે ભાજપે પોતાની જાહેર કરેલી યાદીમાં અમરાવતી બેઠક ઉપરથી નવનીત રાણાનું નામ જાહેર કરતા અટકળોનો અંત આવ્યો છે અને નવનીત રાણા ભાજપ તરફથી ચૂંટણી લડશે એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે.
આ પણ વાંચો: કૉંગ્રેસ હજુ સાત બેઠક પરથી નામ જાહેર કરી શકી નથી, ભાજપના 26ની આ રહી યાદી
છેલ્લા ઘણા સમયથી અમરાવતી બેઠક ઉપરનું રહસ્ય કાયમ રહ્યું હતું અને બધાની નજર રાણા તેમ જ મહાયુતિના નેતાઓ વચ્ચે થઇ રહેલી ચર્ચા ઉપર હતું. એવામાં મહાયુતિને ટેકો આપનારા પ્રહાર જનશક્તિ પાર્ટીના વિધાનસભ્ય બચ્ચુ કડુ નવનીત રાણાને આપવામાં આવેલી ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા હોવાથી આ બેઠક વધુ ચર્ચમાં છે.
બચ્ચુ કડુ અમરાવતીના વિધાનસભ્ય છે અને તેમણે નવનીત રાણાને ટેકો આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. અમરાવતીમાં નવનીત રાણાનો પ્રચાર ન કરવાનો તેમ જ તેમને હરાવવાનો પોતાનું હેતું બચ્ચુ કડુએ સ્પષ્ટ કર્યો છે.
આ બેઠક ઉપર હવે કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપ આ રીતનો જંગ રહેશે. ભાજપ તરફથી નવનીત રાણા તો કૉંગ્રેસ તરફથી બળવંત વાનખેડે આ બેઠક ઉપરથી ચૂંટણી લડશે. કૉંગ્રેસે બળવંત વાનખેડેની ઉમેદવારી આ બેઠક ઉપરથી પહેલા જ જાહેર કરી હતી.