તમિલનાડુમાં ‘જલ્લીકટ્ટુ’ અને ‘મંજુવિરટ્ટુ’ના કાર્યક્રમમાં સાતનાં મોતઃ અનેક ઘાયલ
ચેન્નઇઃ તામિલનાડુમાં કન્નમ પોંગલના દિવસે આયોજિત ‘જલ્લીકટ્ટુ‘ અને ‘મંજુવિરટ્ટુ’ના કાર્યક્રમોમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. જેમાં મોટા ભાગે દર્શકો અને એક બળદ માલિકનો સમાવેશ થાય છે. જ્યારે અલગ-અલગ ઘટનાઓમાં બે બળદનાં પણ મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પુડુક્કોટ્ટઇમાં એક બળદનું મૃત્યુ થયું હતું. જ્યારે શિવગંગાના સિરાવયાલ મંજુવિરટ્ટુમાં એક બળદ માલિક અને તેના બળદનું મૃત્યુ થયું હતું. આ મંજુવિરટ્ટુમાં લગભગ ૧૩૦ લોકો ઘાયલ થયા હતા. દેવકોટ્ટાઇના એક દર્શક સુબ્બૈયાનું એક બળદે શિંગડુ મારી દેતા હોસ્પિટલ લઇ જતી વખતે મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર મદુરાઇના અલંગનાલ્લુરમાં વાદીપટ્ટી નજીક મેટ્ટુપટ્ટી ગામના ૫૫ વર્ષીય દર્શક પી. પેરિયાસામીને એક રોષે ભરાયેલા આખલાએ માર મારતાં ઓછામાં ઓછા ૭૦ લોકો ઘાયલ થયા હતા. જેમાં મોટા ભાગના દર્શકો હતા.
આપણ વાંચો: તમિલનાડુમાં Jallikattuની ઉજવણીની શરૂઆત; શ્રીલંકામાં પહેલી વાર આયોજન
પેરિયાસામીને મદુરાઇની રાજાજી સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તિરુચિરાપલ્લી, કરુર અને પુડુકોટ્ટઇ જિલ્લામાં ચાર અલગ-અલગ જલ્લીકટ્ટુ આયોજનોમાં બે દર્શકોના મોત થયા હતા. તેમજ બળદ માલિકો સહિત ૧૪૮ લોકો ઘાયલ થયા હતા.
કરુર જિલ્લાના કુઝુમાની નજીક સમુથરામના ૬૦ વર્ષીય દર્શક કુલાંથિવેલુનું આરટી મલાઇ ખાતે જલ્લીકટ્ટુ દરમિયાન શિંગડા વાગવાથી ઘાયલ થતાં મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે પુડુકોટ્ટઇ જિલ્લામાં મહાદેવ પટ્ટી જલ્લીકટ્ટુ કાર્યક્રમમાં એક ૭૦ વર્ષીય દર્શકનું મૃત્યુ થયું હતું. આ જલ્લીકટ્ટુમાં દર્શકો સહિત દસ લોકો ઘાયલ થયા હતા.
પુડુકોટ્ટઇ જિલ્લામાં વાન્નિયન વિદુથી જલ્લીકટ્ટુમાં લગભગ ૧૯ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે કૃષ્ણગિરી જિલ્લાના બસ્તલપલ્લી ખાતે આયોજિત ‘એરુથુ વિદુમ વિઝા’ નામની આખલા દોડમાં ૩૦ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સલેમ જિલ્લાના સેંથરાપટ્ટીમાં આખલાના હુમલાથી ૪૫ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.