પાંચમાંથી થશે છ! સીમા હૈદરના ઘરે આ મહિનામાં ગૂંજશે બાળકની કિલકારી

ગ્રેટર નોઇડા: પ્રેમ માટે સરહદોને પાર કરીને પાકિસ્તાની મહિલા સીમા હૈદર પોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી હતી. ભારતમાં આવ્યાં બાદ તેણે પોતાના પ્રેમી સચિન મીણા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમના ઘરે એક દીકરીને જન્મ પણ થયો હતો. જોકે, હવે તેમના ઘરે એક નવા બાળકની કિલકારી સાંભળવા મળશે. સીમા હૈદરે આ અંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે.
છઠ્ઠા બાળકને જન્મ આપશે સીમા હૈદર
ગત વર્ષે માર્ચ મહિનામાં સીમા હૈદરે એક બાળકીને જન્મ આપ્યો હતો. જેનું નામ મીરા રાખવામાં આવ્યું હતું. હવે સીમા ફરીથી સગર્ભા બની છે. જેની તેણે એક વીડિયોમાં વાત કરી છે. વીડિયોમાં સીમા હૈદરે જણાવ્યું છે કે, “મારી પ્રેગનેન્સીનો સાતમો મહિનો ચાલી રહ્યો છે. પહેલા જણાવ્યું ન હતું. પરંતુ હવે સૌને ખબર પડી ગઈ છે. ભગવાને અમને ફરીથી ખુશીઓ આપી છે. જેનો અમે સ્વીકાર કર્યો છે.”
વીડિયોમાં સીમાએ આગળ જણાવ્યું કે, “મીરાની બહેન આવશે કે ભાઈ, બે મહિના બાદ ફેબ્રુઆરીમાં ખબર પડશે.”
આ પણ વાંચો : “સીમા હૈદરે કાળો જાદુ કરે છે” સુરેન્દ્રનગરના યુવકે સીમા હૈદર પર હુમલો કરતાં ખળભળાટ
સીમાએ જણાવ્યું કે, પાછલી પ્રેગનેન્સી કરતા આ પ્રેગનેન્સીમાં તેની તબીયત વધુ સારી છે. જોકે, સચિનના જણાવ્યાનુસાર, સીમાના શરીરમાં કેલ્શિયમની ઉણપ છે. જેથી તેના શરીરમાં દુખાવો રહે છે.
સીમા હૈદરે ટ્રોલર્સને આપ્યો જવાબ
અગાઉ જ્યારે સીમા પાકિસ્તાનથી ભારત આવી હતી. ત્યારે સચિન અને સીમા તેમની આસપાસના લોકોથી તથા સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ થયા હતા. પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત સાથે આ વખતે પણ તેઓને ટ્રોલર્સની ચિંતા પણ સતાવી રહી છે. પરંતુ આ વખતે સીમાએ ટ્રોલર્સને પણ રોકડું પરખાવી દેતો જવાબ આપી દીધો છે.
સીમાએ ટ્રોલર્સને જણાવ્યું કે, હવે કેટલાક લોકો અમને ટ્રોલ પણ કરી શકે છે. તેમને હું જવાબ આપવા માંગું છું કે, અમે અમારા બાળકોનું લાલન-પાલન કરી લઈશું. ભગવાને અમને ફરીથી ખુશી આપી છે અને અમે તે ખુશીનો ફરી સ્વીકાર કર્યો છે.
આ પણ વાંચો : સીમા હૈદરની બહેન રીમાએ શેર કર્યો ભાવુક વીડિયો! કહ્યું- ‘ભારતમાં પરિસ્થિતિ સારી નથી, તું…
ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર અને સચિન પબજી ગેમના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. પાકિસ્તાનમાં રહેતી સીમા હૈદર ચાર બાળકોની મા હતી. પરંતુ તેણે સચિન સાથે રહેવા માટે કાયદેસર રીતે પાકિસ્તાનથી ભારત આવવાનું સાહસ કર્યું હતું. જેમાં તે સફળ રહી હતી. આજે તેઓ રાજીખુશીથી પોતાનું ગૃહસ્થજીવન જીવી રહ્યા છે.



