Mizoram Myanmar Border પર સુરક્ષા વધારી, લોકોની અવરજવર નિયંત્રિત કરાઇ
આઇઝોલઃ કેન્દ્ર સરકારના નિર્દેશને પગલે ૫૧૦ કિલોમીટર લાંબી મિઝોરમ-મ્યાનમાર સરહદ (Mizoram Myanmar Border) પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુ ૧૦ કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોની અવરજવરને નિયંત્રિત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
‘બોર્ડર-પાસ’ની પડશે જરૂર
અધિકારીના જણાવ્યા અનુસાર સરહદની બંને બાજુ ૧૦ કિમીની ત્રિજ્યામાં રહેતા બંને દેશોના રહેવાસીઓને હવે એકબીજાને મળવા માટે ‘બોર્ડર-પાસ’ની જરૂર પડશે. તેમણે જણાવ્યું હતું કે મ્યાનમાર અને ભારતીય નાગરિકોને એકબીજાના દેશોની મુલાકાત લેવા માટે સાત દિવસ માટે માન્ય બોર્ડર પાસ આપવામાં આવી રહ્યા છે.
તેઓને આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુ ૧૦ કિમીની પ્રાદેશિક મર્યાદામાં રહે છે તેની ખાતરી કરતા દસ્તાવેજો રજૂ કર્યા બાદ આ પાસ આપવામાં આવે છે.
આપણ વાંચો: દુનિયા વધુ એક યુદ્ધમાં ધકેલાશેઃ સરહદ તરફ વધી રહ્યા છે તાલિબાની લડવૈયા, પાકિસ્તાને ખડક્યું સૈન્ય
510 કિલોમીટરનો છે વિસ્તાર
ગૃહ મંત્રાલય(એમએચએ) દ્વારા જારી કરાયેલ આદેશ અને નવા દિશાનિર્દેશોના આધારે ૩૧ ડિસેમ્બરથી કેટલાક પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર રાજ્ય પોલીસ, આસામ રાઇફલ્સ અને આરોગ્ય અધિકારીઓ દ્વારા પહેલ કરવામાં આવી છે. મિઝોરમના છ જિલ્લાઓ- ચંફઇ, સિયાહા, લોંગટલાઇ, હનાથિયાલ, સૈતુલ અને સેરછિપ- મ્યાનમારના ચિન રાજ્ય સાથે ૫૧૦ કિમી લાંબી સરહદમાં હિસ્સો ધરાવે છે.
ફ્રી મૂવમેન્ટ રેજિમના વિસ્તારમાં ઘટાડો
૨૪ ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે એક નવો પ્રોટોકલ જારી કર્યો હતો, જેમાં ફ્રી મૂવમેન્ટ રેજીમ(એફએમઆર) હેઠળ લોકોની અવરજવર પરની મર્યાદા અગાઉના ૧૬ કિમીથી ઘટાડીને વર્તમાન ૧૦ કિમી કરવામાં આવી હતી. જો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે એફએમઆર રદ્દ કરવામાં આવશે, પરંતુ આ સંબંધમાં સત્તાવાર સૂચના હજુ બહાર પાડવામાં આવી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ભારત-પાક સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળઃ એક ઘૂસણખોર ઠાર
સરહદ પાર કરનારાને બોર્ડર પાસ અપાશે
નવી માર્ગદર્શિકા અનુસાર ભારતથી મ્યાનમાર અને મ્યાનમારથી ભારતની સરહદ પાર કરનાર કોઇ પણ વ્યક્તિને ભારત-મ્યાનમાર સરહદની રક્ષા કરતી આસામ રાઇફલ્સ દ્વારા સાત દિવસના રોકાણ માટે બોર્ડર પાસ આપવામાં આવશે. લોકોએ નિયુક્ત બોર્ડર ક્રોસિંગ પોઇન્ટ પર રિપોર્ટ કરવાનો રહેશે અને એક ફોર્મ ભરવાનું રહેશે.