ભારત-પાક તણાવ વચ્ચે મુંબઈ દરિયાકિનારા પર સુરક્ષા વધારાઈ; મહારાષ્ટ્ર સરકારનો માછીમારોને આદેશ

મુંબઈ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ બન્યા છે. ગઈ કાલે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી અનેક 26 જેટલા સ્થળોએ ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાન આપીને તેની મેલી મુરાદને નિષ્ફળ બનાવી હતી. આ દરમિયાન દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને પણ વધારી દેવામાં આવી છે.
માછીમારો માટે સુરક્ષા નિર્દેશો
મહારાષ્ટ્ર સરકારે પાલઘરના દરિયાકાંઠે માછીમારી કરતા માછીમારો માટે “સુરક્ષા નિર્દેશો” જારી કર્યા છે અને તેમને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવા માટે સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. અધિકારીઓએ શુક્રવારે સમાચાર એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દરિયાકાંઠાના સર્વેલન્સને વધારવા અંગે ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા.
માછીમારી બોટ ટ્રાન્સપોન્ડરથી સજ્જ
તે ઉપરાંત વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર એ સુનિશ્ચિત કરવાનો પણ પ્રયાસ કરી રહી છે કે મોટાભાગની માછીમારી બોટ ટ્રાન્સપોન્ડરથી સજ્જ હોય જેથી તેમના સ્થાનોને ટ્રેક કરી શકાય. ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારો અને બંદરોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છ.
મુંબઈ દરિયાકિનારા પર સુરક્ષા વધારી
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે દરિયાકિનારા પર સુરક્ષા વધારી દીધી છે. જે લોકો દરિયા કિનારે ફરવા આવ્યા હોય અથવા કિનારે બેઠા હોય તેમને તાત્કાલિક દરિયા કિનારેથી નીકળી જવા માટે કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન, દાદર ચોપાટી અને મુંબઈના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો…પાકિસ્તાનના સતત ડ્રોન હુમલા બાદ ભારત એકશનમાં મોડમાં, જમ્મુમાં કરી આ મોટી તૈયારી