ટ્રમ્પની ખુલ્લી ધમકીઃ ભારત પર હજુ તો બીજા ઘણા પ્રતિબંધો આવશે………. | મુંબઈ સમાચાર

ટ્રમ્પની ખુલ્લી ધમકીઃ ભારત પર હજુ તો બીજા ઘણા પ્રતિબંધો આવશે……….

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ નિર્ણય ભારતની રશિયન તેલની ખરીદીને રોકવા માટે લેવાયો છે, જેને અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણે છે. આ પગલું ભારત-અમેરિકા વેપાર સંબંધોને અસર કરી શકે છે. ભારતે આ નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને વિરોધ નોંધાવ્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરૂ થઈ છે.

ટ્રમ્પે બુધવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો, જે 27 ઓગસ્ટથી લાગુ થશે. આ પહેલાં 30 જુલાઈએ જાહેર કરાયેલો 25% ટેરિફ 7 ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે, જેનાથી ભારત પર કુલ 50% ટેરિફ લાગશે. ટ્રમ્પે જણાવ્યું કે ભારત રશિયન તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને આર્થિક ટેકો આપે છે. તેમણે ભારત, ચીન સહિત અન્ય દેશો પર પણ ” સેકન્ડરી સેક્શન” લાદવાના પણ સંકેત આપ્યા હતા.

ભારતનો વિરોધ અને રશિયન તેલ

ભારતના વિદેશ મંત્રાલયે આ ટેરિફને “અન્યાયી અને ગેરકાયદે” ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે ભારત બજારની સ્થિતિને આધારિત રીતે તેલ ખરીદે છે, જે 140 કરોડ નાગરિકોની ઊર્જા જરૂરિયાતો માટે જરૂરી છે. 2025માં ભારતે રશિયા પાસેથી દરરોજ 17.8 લાખ બેરલ તેલ ખરીદ્યું છે. જ્યારે ચીન પછી ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી ફક્ત 0.2% (68 હજાર બેરલ પ્રતિ દિવસ) તેલ આયાત કરતું હતું. મે 2023 સુધીમાં એ વધીને 45% (20 લાખ બેરલ પ્રતિ દિવસ) થઈ ગયું હતું. છેલ્લાં બે વર્ષથી ભારત દર વર્ષે 130 અબજ ડોલર (11.33 લાખ કરોડ રૂપિયા)થી વધુ મૂલ્યનું રશિયન તેલ ખરીદી રહ્યું છે.

સેકન્ડરી સેક્શન અને વેપાર પર અસર

સેકન્ડરી સેક્શન એવા પ્રતિબંધો છે જે સીધા ભારત પર નહીં, પરંતુ રશિયા સાથે વેપાર કરતી કંપનીઓ કે બેંકો પર લાગુ થઈ શકે છે. આ ટેરિફથી ભારતના કાપડ, હીરા-ઝવેરાત અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉત્પાદનોની અમેરિકામાં કિંમતો વધશે, જેનાથી નિકાસ ઘટી શકે છે. જોકે, સેમિકન્ડક્ટર, સ્માર્ટફોન અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉત્પાદનો હાલ ટેરિફમાંથી મુક્ત છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ્સ પર 250% ટેરિફની ધમકી આપી છે, જે ભારતની $7.5 બિલિયનની ફાર્મા નિકાસને અસર કરી શકે છે.

ટ્રમ્પનો આ નિર્ણય ભારત-અમેરિકા વેપાર સંબંધોને જટિલ બનાવી શકે છે. ભારતની અમેરિકામાં $9 બિલિયનની ઝવેરાત નિકાસ અને $2.5 બિલિયનની ટેક્સટાઇલ નિકાસ પર ટેરિફની અસર પડી શકે છે, જે નોકરીઓ અને સ્પર્ધાત્મકતાને જોખમમાં મૂકી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારતના ઉચ્ચ ટેરિફના કારણે અમેરિકા આ પગલાં લઈ રહ્યું છે. ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા જરૂરી પગલાં લેવાની વાત કરી છે, જે આગામી દિવસોમાં વેપારી અને રાજદ્વારી વાટાઘાટોને વધુ તીવ્ર બનાવી શકે છે.

આપણ વાંચો:  વડાપ્રધાન મોદીએ ટેરીફ મુદ્દે ટ્રમ્પને આપ્યો આડકતરો જવાબ; જાણો શું કહ્યું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button