
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં સોમવાર સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે એક કારમાં જોરદાર વિસ્ફોટ થયો, જેનાથી આખું શહેર હચમચી ઉઠ્યું. આ ઘટનામાં 8 લોકોનાં મોત થયાં છે જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. ધમાકો એટલો તીવ્ર હતો કે આસપાસની 5-6 ગાડીઓ આગના ગોળા બની ગઈ અને તેમના પરખચ્ચા ઉડી ગયા. ઘટના સાંજે 7 વાગ્યા આસપાસ બની, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કારમાં વિસ્ફોટ, પોલીસ-એનએસજીની તપાસ
દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટને સાંજે 6:55 વાગ્યે કોલ આવ્યો કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર-1 પાસે પાર્ક કરેલી કારમાં વિસ્ફોટ થયો છે. તરત જ 7 ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ, એનએસજી અને એનઆઈએની ટીમો તપાસમાં જોડાઈ ગઈ. હોમ મિનિસ્ટર અમિત શાહે પીએમ મોદીને અપડેટ આપ્યું અને દિલ્હી સહિત મુંબઈ, યુપી, ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું. હજુ સુધી વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી – સીએનજી લીક કે આતંકી ષડયંત્ર?
દિલ્હીના જૂના વિસ્ફોટોની યાદ
આ ઘટનાએ દિલ્હીના જૂના ઘાવ તાજા કરી દીધા. 1997થી 2011 સુધી દિલ્હીમાં અનેક આતંકી વિસ્ફોટ થયા હતા. જેમ કે 29 ઓક્ટોબર 2005ના સરોજિની નગર-પહાડગંજ બ્લાસ્ટમાં 62 લોકો માર્યા ગયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બર 2008ના કરોલ બાગ-કનોટ પ્લેસ સીરિયલ બ્લાસ્ટમાં 30નાં મોત થયા હતા. આ તમામમાં લશ્કર-એ-તૈયબા અને ઈન્ડિયન મુજાહિદીનનો હાથ હતો. 2011 પછી સુરક્ષા વધારવાથી મોટા વિસ્ફોટ રોકાયા હતા, પણ આજની ઘટનાએ ફરી સવાલ ઉભા કર્યા.
ભૂતકાળની મોટી ઘટનાઓ
2001માં સંસદ પર હુમલો (12 મોત), 2005માં દિવાળી પહેલાં સિનેમા હોલ બ્લાસ્ટ (1 મોત, 60 ઘાયલ), 2006માં જામા મસ્જિદ પાસે ધમાકા (14 ઘાયલ). 1997માં લાલ કિલ્લા વિસ્તારમાં જ ટ્વિન બ્લાસ્ટમાં 3 મોત અને 70 ઘાયલ થયા હતા. આ તમામ ઘટનાઓએ દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા કર્યા અને સીસીટીવી-ખુફિયા તંત્રને મજબૂત બનાવ્યું.
આ પણ વાંચો…‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે i20 કારમાં વિસ્ફોટ થયો…’, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યું નિવેદન…



