પટનામાં ભાજપના ઝંડાવાળી કારે 3 પોલીસકર્મીઓને કચડ્યા, મહિલા કોન્સ્ટેબલનું દર્દનાક મોત

પટના: બિહારની રાજધાની પટનામાં ગઈ કાલે બુધવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પટનાના અટલ પથ પર વાહનોના ચેકિંગ માટે તૈનાત પોલીસકર્મીઓને એક પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી (Car crushed police officers in Patna) હતી. ચાલકે સ્કોર્પિયો કારથી ત્રણ પોલીસકર્મીઓને કચડ્યા હતાં, આ ઘટનામાં એક મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. જ્યારે બે પોલીસકર્મીઓની સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવમાં આવ્યો છે.
અહેવાલ મુજબ પટનાના શ્રીકૃષ્ણપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અટલ પથ પર વાહન ચેકિંગ માટે તૈનાત પોલીસકર્મીઓ અકસ્માતનો ભોગ બન્યા હતાં. પુરપાટ ઝડપે આવતી એક સ્કોર્પિયો કાર અનિયંત્રિત થઇને પોલીસકર્મીઓ તરફ ધસી આવી હતી. કળા રંગની ભાજપના ઝંડા સાથેની સ્કોર્પિયો કારે ત્રણ પોલીસકર્મીઓને અડફેટે લીધા હતાં.
ઘટનાનો વિડીયો વાયરલ:
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં જોવા મળે છે કે અકસ્માત બાદ રસ્તા પર અફડાતફડી મચી ગઈ. ઘાયલ પોલીસકર્મીઓ રસ્તા પર પડેલા જોવા મળે છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન એક મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે.
બે પોલીસકર્મીઓએ ગંભીર રીતે ઘાયલ:
આ ઘટના એસકેપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે લગભગ 12:30 વાગ્યે બની હતી. અહેવાલ મુજબ કારની સ્પીડ 90 કિમી પ્રતિ કલાકથી વધુ હતી. મૃતક મહિલા કોન્સ્ટેબલની ઓળખ નાલંદાની રહેવાસી કોમલ તરીકે થઈ છે, બે અન્ય પોલીસકર્મીઓ, સબ-ઇન્સ્પેક્ટર (SI) દીપક કુમાર અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અવધેશ ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર:
અકસ્માત બાદ પટનાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. અકસ્માત સર્જનારી કાર જપ્ત કરવામાં આવી હતી. કારના આગળના ભાગમાં ભાજપનો ઝંડો લાગેલો છે. કારમાં સવાર બે યુવાનોને પોલીસે કસ્ટડીમાં લીધા છે, જ્યારે કારનો ડ્રાઈવર ભાગી નાસી છૂટ્યો છે. ફરાર કાર ડ્રાઈવરને પકડવા પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અકસ્માત સમયે ડ્રાઈવર નશા કે નહીં, એ માટે કસ્ટડીમાં લેવાયેલા બંને લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. એવા પણ અહેવાલો છે કે આ કાર ભાજપના કોઈ નેતા હોઈ શકે છે, જો કે કારની માલિકની અંગે પોલીસે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.