પ્રયાગરાજમાં જળબંબાકાર: જ્યાં હતો મહાકુંભ, ત્યાં દેખાય છે દરિયા જેવા દ્રશ્યો

ગુજરાતમાં હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂરની સૌથી વધુ અસર સંગમ શહેર તરીકે જાણીતા પ્રયાગરાજમાં જોવા મળી છે.
પ્રયાગરાજમાં ગંગા અને જમુના એમ બંને નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી ગઈ છે. જેથી નદીકાંઠાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રયાગરાજમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ છે. જે જગ્યાએ મહા કુંભમેળો યોજાયો હતો, તે જગ્યાએ હવે દરિયા જેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

આપણ વાંચો: ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટશે, 24 કલાકમાં 34 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ…
આખો ગંગા-જમુનાના સંગમ વિસ્તારમાં આવેલા મઠો, મંદિરો, આશ્રમો, ઝૂંપડીઓ અને દુકાનોનો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગંગા ઘાટ પર માત્ર મંદિરોના શિખરો જ નજરે પડી રહ્યા છે. ખેતરો, રસ્તાઓ, શાળાઓ અને રહેણાંક વિસ્તારો પણ પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે પ્રયાગરાજમાં જનજીવન ખોરવાયું છે.

પ્રયાગરાજમાં NDRF અને SDRFની ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. પૂરથી પ્રભાવિત લોકોનું સલામતસ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પણ પૂરની પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશના 21 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. 11 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે હજુ પણ 46 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપી છે.