કોમેડીની હદ પાર કરનાર સ્ટેન્ડ-અપ કલાકારોને સુપ્રીમ કોર્ટની ફટકાર, સોશિયલ મીડિયા પર માફી માગવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી: સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રાના પોતાની એડલ્ટ કોમેડીને લઈ અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે. થોડા સમય પહેલા દિવ્યાંગજનો પર અસંવેદનશીલ મજાક કરી હતી. જે બાદ તેમના વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે સોમવારે સુપ્રીમ કોર્ટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન્સને દિવ્યાંગજનો પર અસંવેદનશીલ મજાક કરવા બદલ કડક ફટકાર લગાવી. કોર્ટે આદેશ આપ્યો કે આ કોમેડિયન્સે માત્ર કોર્ટમાં જ નહીં, પરંતુ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ જાહેરમાં માફી માંગવી પડશે.
ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય SMA Cure Foundation દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી દરમિયાન આવ્યો, જેમાં કેટલાક કોમેડિયન્સ પર દિવ્યાંગજનોની મજાક ઉડાવવાનો આરોપ હતો. આ ઘટના સમાજમાં સંવેદનશીલતાના મહત્વને ઉજાગર કરે છે. કોર્ટે કોમેડિયન્સ સમય રૈના, વિપુન ગોયલ, બલરાજ પરમારજીત સિંહ ઘઈ, સોનાલી ઠાકર અને નિશાંત જગદીશ તનવરને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું, “તમે અહીં માફી માંગી છે, તે જ માફી તમારા સોશિયલ મીડિયા પર પણ જાહેર કરો.”
કોર્ટે કહ્યું કે આ ફેસલો માત્ર એક ઘટનાની પ્રતિક્રિયા ન હોવો જોઈએ, પરંતુ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે વ્યાપક હોવો જોઈએ. તેમણે કહ્યું, “આજે દિવ્યાંગજનોની વાત છે, કાલે સ્ત્રીઓ, વૃદ્ધો કે બાળકોની હોઈ શકે. આનો અંત ક્યાં થશે?” તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે શું દરેક વખતે કોઈ સંસ્થાએ આ માટે કોર્ટમાં આવવું પડશે? જો કોઈ વ્યક્તિને હેરાન કરવામાં આવે તો શું થશે? આ ટિપ્પણીઓ સમાજમાં જવાબદારીનું મહત્વ દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તમામ કોમેડિયન્સે તેમના યૂટ્યૂબ ચેનલ અને સોશિયલ મીડિયા પર બિનશરતી માફી પ્રકાશિત કરવી પડશે. આ કેસની આગામી સુનાવણી નવેમ્બરમાં થશે. આ ઉપરાંત આગલી સુનાવણીમાં કોર્ટ નક્કી કરશે કે કોમેડિયન્સ પર કેટલો દંડ લગાવવો. આ ઉપરાંત કોર્ટે નિર્ણયથી સ્ટેન્ડ-અપ કોમેડીના કલાકારોને પોતાના કન્ટેન્ટની સંવેદનશીલતા પર ધ્યાન આપવાની ચેતવણી મળી છે.