ઘરેથી રોકડ મળવાના કેસમાં જસ્ટિસ વર્માને સુપ્રીમ કોર્ટે રાહત આપી, વકીલોની અરજી ફગાવી

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા(Justice Yashankt Verma)ના ઘરેથી મોટી માત્રામાં રોકડ રૂપિયા મળવાનો મામલો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જસ્ટિસ યશવંત વર્માને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.
વકીલ મેથ્યુ નેદુમ્પરા અને હેમાલી સુરેશ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે જસ્ટિસ યશવંત વર્મા સામે FIR નોંધવા દિલ્હી પોલીસને નિર્દેશ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓક અને ન્યાયાધીશ ઉજ્જલ ભુઇયાનની બેન્ચે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આપણ વાંચો: કર્ણાટકમાં ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના નામે જુઠ્ઠું બોલ્યા? જાણો શું છે મામલો…
CJI લેશે નિર્ણય:
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલાની તપાસ ઇન-હાઉસ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા પછી, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા(CJI) પાસે કાર્યવાહી કરવા માટે ઘણા વિકલ્પો છે. આવી સ્થિતિમાં, આ અરજી પર વિચાર કરવો યોગ્ય રહેશે નહીં.
અરજીમાં દાવો:
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે 3 ન્યાયાધીશોની સમિતિ બનાવવાનું કોઈ વાજબી કારણ નથી. આ મામલાની તપાસ દિલ્હી પોલીસે કરવી જોઈએ. અરજી એવી પણ માંગ કરવામાં આવી કે ન્યાયતંત્રના તમામ સ્તરે ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારને અસરકારક અને અર્થપૂર્ણ પગલાં લેવા નિર્દેશ આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે અરજીને “સમયથી પહેલા” દાખલ કરવામાં આવી હોવાનું કહ્યું. બેન્ચે કહ્યું, “આંતરિક તપાસ ચાલી રહી છે. જો રિપોર્ટમાં કંઈક ખોટું જણાય તો FIR નો આદેશ આપી શકાય છે અથવા મામલો સંસદમાં મોકલી શકાય છે. આજે તેના પર વિચાર કરવાનો સમય નથી.”
આપણ વાંચો: હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી ‘રોકડ’નો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસે આપ્યું આ નિવેદન
તપાસ માટે સમિતિની રચના:
આ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ ત્રણ જજોની સમિતિની રચના કરી હતી, જેનું નેતૃત્વ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ શીલ નાગુ કરે છે. આ સમિતિમાં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જી.એસ. સંધાવલિયા અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ અનુ શિવરામનનો પણ સમાવેશ થાય છે. આ સમિતિએ તાજેતરમાં જસ્ટિસ વર્માના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.