બોલો, આ કારણસર પતિને મળી શકે છે છૂટાછેડા, દિલ્હી હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો
પતિ-પત્નીના સંબંધોમાં શારીરિક સંબંધ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. પરંતુ લગ્ન બાદ એક યા બીજા કારણોસર પત્ની પતિને આ મહત્વપૂર્ણ ભાગથી વંચિત રાખે છે. આ જ કારણે ઘણી વખત મામલો કોર્ટ સુધી પહોંચી જાય છે. આવા જ એક કિસ્સામાં લગ્નના 35 દિવસ સુધી પતિને શારીરિક સુખથી વંચિત રાખનાર પત્નીના આ વર્તનથી તંગ આવનાર પતિએ હાઈ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. આ અરજી પર દિલ્હી હાઈ કોર્ટે ચુકાદો આપતાં એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી હતી.
દિલ્હી હાઈ કોર્ટે ટીપ્પણી કરતાં એવું જણાવ્યું હતું કે જીવનસાથી દ્વારા જાતીય સંબંધનો જાણી જોઈને ઇનકાર કરવો એ ક્રૂરતા સમાન છે અને આ જ કારણસર પતિને છૂટાછેડા લેવાનો પૂરેપૂરો હક છે. જસ્ટીસ સુરેશકુમાર કૈટની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે છૂટાછેડા આપવાના ફેમિલી કોર્ટના આદેશ સામે પત્નીની અપીલને નકારી કાઢતાં એવું પણ જણાવ્યું હતું કે શારીરિક સંબંધ વિનાના લગ્ન એ એક અભિશાપરૂપ છે અને લગ્નનજીવન માટે જાતીય સંબંધોમાં નિરાશાથી વધુ બીજું કંઈ જ જીવલેણ હોઈ શકે નહીં.
ખંડપીઠે આગળ એવું પણ કહ્યું હતું કે કે જીવનસાથી દ્વારા જાણી જોઈને જાતીય સંબંધનો ઈન્કાર કરવો એ ક્રૂરતા સમાન છે અને એમાં પણ ખાસ કરીને એવા કપલ માટે કે જેમના નવા નવા લગ્ન થયા હોય. આવા કેસમાં શારીરિક સંબંધની ગેરહાજરી છૂટાછેડાનું કારણ બની શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના એક કપલે 2004ની સાલમાં હિન્દુ રિવાજો અને વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. લગભગ એક મહિનો સાસરે રહ્યા બાદ પત્ની પિયર જતી રહી હતી અને પતિ સામે દહેજ માટે સતામણીનો કેસ દાખલ કર્યો હતો. જોકે, આની સામે પતિએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. પતિ દ્વારા એવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે લગ્નના 35 દિવસ બાદ પણ પત્નીએ શારીરિક સંબંધ બાંધવા દીધા નહોતા.
હાઈ કોર્ટની ખંડપીઠે પતિની દલીલને માન્ય રાખી હતી અને ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં હાઈ કોર્ટે કહ્યું હતું કે લગ્ન જીવનમાં શારીરિક સંબંધ જ ન હોય તો તે સાવ બેકાર બની જાય છે અને જીવનસાથી જો વારંવાર ઈનકાર કરે તો પતિને છૂટાછેડા મળી શકે છે.