બોલો, ભારતના મિનિ સ્વિટ્ઝર્લેન્ડમાં વેચાવા લાગ્યા એસી, રેકોર્ડ બ્રેક વેચાણ
જમ્મુ: ભારતમાં મિનિ સ્વિટઝર્લેન્ડ તરીકે જમ્મુ કાશ્મીર, હિમાચલમાં ખજ્જિયાર, ઉત્તરાખંડનું ઔલી અને મણિપુરની ગણતરી કરવામાં આવે છે, પરંતુ વધતા તાપમાનને કારણે તમામ સમીકરણો ઊંધા પડી રહ્યા છે. હવે તો કાશ્મીરમાં પણ એસી વેચાવવા લાગ્યા હોવાના અહેવાલ છે.
એક તરફ જમ્મુ કાશ્મીરમાં ભારત અને દુનિયાના લોકો ઠંડક મેળવવા આવે છે ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં પણ તાપમાનનો વધારો થયો છે. અહીના સ્થાનિક લોકો તાપમાનમાં રાહત મેળવવા માટે એર કન્ડિશનર (એસી)ની રેકોર્ડતોડ ખરીદી કરી રહ્યા છે.
એ વાત બિલકુલ સાચી છે કે કાશ્મીરમાં ગરમીના કારણે ઠંડક આપતા ઉત્પાદનો ખાસ કરીને એર કન્ડિશનરની માંગમાં ધરખમ વધારો થયો છે. આ ઉનાળાની ઋતુમાં એર કંડિશનરનું વેચાણ અગાઉના વર્ષોની સરખામણીએ બમણા કરતાં વધુ જોવા મળ્યું છે.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં સાડા છ મહિનામાં 24 આતંકી ઠારઃ સાત જવાન થયા શહીદ
છૂટક વિક્રેતાઓ અને ઉત્પાદકો બંને એર કન્ડિશનિંગ યુનિટની અભૂતપૂર્વ માંગની ચર્ચા કરી રહ્યા છે. ગયા અઠવાડિયે રાજધાની શ્રીનગરમાં 35.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે આ સીઝનનું સૌથી વધુ તાપમાન હતું. ગરમીએ ઘણા ઘરો માટે લક્ઝરીને બદલે એર કન્ડિશનરને આવશ્યકતા બનાવી દીધી છે.
એસી વેચતા ડાર ઈલેક્ટ્રોનિક્સના માલિક શૌકત અહેમદે જણાવ્યું કે, કાશ્મીરમાં એર કંડિશનરની આટલી વ્યાપક માંગ પહેલીવાર જોવા મળી છે. તેમણે કહ્યું કે એસીની વ્યાપક માંગ કાશ્મીરમાં પહેલા ક્યારેય જોવા મળી નથી. હવામાન ખૂબ જ ગરમ છે અને લોકો ઠંડક મેળવવા માટે એસી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
આ ઉનાળામાં કાશ્મીર અને પહાડી વિસ્તારોમાં પણ ભારે ગરમી છે, જેના કારણે ઠંડકના સાધનોની ભારે માંગ છે. જ્યારે મુનીર અહેમદે જણાવ્યું હતું કે કાશ્મીરમાં ઘરો માટે હવે એર કંડિશનર ખરીદવામાં આવી રહ્યા છે. અગાઉ તે મોટાભાગે કાશ્મીરમાં મસ્જિદો અને હોટલ માટે ખરીદવામાં આવતું હતું.