આમ આદમી પાર્ટી I.N.D.I. ગઠબંધનથી અલગ: કોંગ્રેસની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થાય એના પહેલા સવાલ, I.N.D.I. ગઠબંધને એક બેઠક યોજવાનું નક્કી કર્યું હતું. 19 જુલાઈ 2025ના રોજ દિલ્હી ખાતે મલ્લિકાર્જુન ખડગેના ઘરે I.N.D.I. ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક યોજાવવાની છે, પરંતુ આ બેઠક પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગઠબંધનમાંથી છૂટા થવાની જાહેરાત કરી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે I.N.D.I. ગઠબંધનમાં કૉંગ્રેસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.
ઈન્ડિ. ગઠબંધનના વિસ્તાર માટે શું કરાયું?
I.N.D.I. ગઠબંધનમાંથી છૂટા પડ્યા બાદ AAPના નેતા સંજય સિંહે મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં તેમણે I.N.D.I. ગઠબંધનમાંથી છૂટા પડવાનું કારણ જણાવ્યું હતું.
સંજય સિંહે ગઠબંધનમાં કૉંગ્રેસની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે, “કૉંગ્રેસ ગઠબંધનનો સૌથી મોટો પક્ષ હતો. લોકસભાની ચૂંટણી પછી કૉંગ્રેસે કોઈ બેઠક કરી નથી કે તમામ પક્ષોને સાથે લઈને ચાલવાની પહેલ કરી નથી. તેથી તેના પર પ્રશ્નો ઊભા થાય છે.”
આપણ વાંચો: રાજકોટમાં ખાડાને લઈ આમ આદમી પાર્ટીએ થાળી વગાડી, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું
ગઠબંધન માત્ર લોકસભાની ચૂંટણી પૂરતું હતું
સંજય સિંહે આગળ જણાવ્યું હતું કે I.N.D.I. ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણી માટે હતું. હવે અમે એકલા ચૂંટણી લડી રહ્યા છીએ. દિલ્હી અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી અમે એકલા લડ્યા હતા. બિહાર વિધાનસભાની ચૂંટણી પણ અમે એકલા લડવાના છીએ. અમે પંજાબ અને ગુજરાતમાં પેટાચૂંટણી પોતાના દમ પર લડ્યા હતા. આમ આદમી પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે કે, તે હવે I.N.D.I. ગઠબંધનનો ભાગ નથી.
તાજેતરમાં કૉંગ્રેસને લઈને AAPની નારાજગી પણ સામે આવી છે. ગુજરાતની પેટાચૂંટણીમાં કૉંગ્રેસે AAPને સહકાર આપ્યો નથી. એવા આરોપો અરવિંદ કેજરીવાલ પણ લગાવી ચૂક્યા છે, જે I.N.D.I. ગઠબંધનથી છૂટા પડવાનું એક કારણ હોઈ શકે છે.
આપણ વાંચો: ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે થયું ઘર્ષણ…
AAP સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવશે
સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવતી રહેશે. અમે સંસદના આગામી ચોમાસુ સત્રમાં મુદ્દાઓ ઉઠાવીશું. જેમાં શાળાઓ બંધ કરવી, દારૂની દુકાનો શરૂ કરવી, બુલ્ડોઝર ફેરવીને લોકોને બેઘર કરવા, પ્લેન ક્રેશ, પહેલગામ આતંકી હુમલાના આતંકવાદીઓ ક્યાં છે? જેવા પ્રશ્નો અમે આગામી સત્રમાં ઉઠાવીશું.
ગઠબંધન અંગે અન્ય પક્ષોનું મંતવ્ય
ઉલ્લેખનીય છે કે, અગાઉ I.N.D.I. ગઠબંધનમાં કૉંગ્રેસની ભૂમિકા અંગે મમતા બેનર્જી પણ કહી ચૂક્યા છે કે, “ગઠબંધનનું નેતૃત્વ કરનારા તેને સારી રીતે ચલાવી રહ્યા નથી.” આ સિવાય ઓમર અબ્દુલ્લા તથા તેજસ્વી યાદવ પણ એવું કહી ચૂક્યા છે કે, I.N.D.I. ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે હતું.”