વક્ફ બિલને લઈ સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં….

મુંબઈઃ વક્ફ સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ગયા બાદ હવે તેના પર નિવેદનબાજી શરૂ થઈ છે. વક્ફ સંશોધન બિલને લઈ અનેક મુસ્લિમ સંગઠન, નેતા અને વિપક્ષે સવાલ ઉભા કર્યા છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અમે સુપ્રીમ કોર્ટમાં નહીં જઈએ.
સંજ્ય રાઉતે શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતી વખતે સંજય રાઉતે કહ્યું, અમે અમારું કામ પૂરું કર્યું છે, જે કહેવું હતું, જે બોલવું હતું, તે અમે સંસદના બંને ગૃહમાં કરી ચુક્યા છીએ. આ ફાઈલ અમારા માટે હવે બંધ છે. તેમણે કહ્યું, જે લોકો આ બિલને હિન્દુત્વ સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છે તેના જેવું મૂર્ખ બીજું કોઈ નથી. આ બિલ દ્વારા ઉદ્યોગપતિઓ માટે બોર્ડની સંપત્તિ પર કબજો કરવો વધુ સરળ થઈ જશે.
સંજય રાઉતે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરી ત્યારે તેમણે જિન્ના સુધીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું મેં તમામનું ભાષણ સાંભળ્યું, ગૃહ પ્રધાનનું ભાષણ સાંભળ્યું, કાયદા પ્રધાનનું ભાષણ સાંભળ્યા, જેટલી ચિંતા જિન્નાએ નહોતી કરી તેની વધારે ચિંતા તમે લોકો કરી રહ્યા છો. એક સમયે તો મને લાગ્યું કે, બેરિસ્ટાર જિન્નાની કબરમાંથી આત્મા ઉઠીને તમારા શરીરમાં ઘૂસી ગયો છે.
આ પણ વાંચો:વક્ફ બિલને લઈ વધુ એક પાર્ટીમાં ‘કકળાટ’: પક્ષના પ્રદેશ મહાસચિવે આપ્યું રાજીનામું…
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે શું કહ્યું?
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું, વક્ફ બિલનો કાયદો બન્યા બાદ દેશની કોઈપણ મસ્જિદ, દરગાહ કે કબ્રસ્તાનને હાથ પણ નહીં લગાવવામાં આવે. લોકોમાં આવી અફવા ફેલાવી યોગ્ય નથી. બિલમાં મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાન છીનવી લેવામાં આવશે તેવી કોઈ જોગવાઈ નથી. રવિશંકર પ્રસાદે કહ્યું કે, વક્ફ સંશોધન બિલથી મુસ્લિમ મહિલાઓને પણ લાભ થશે અને વક્ફ બોર્ડને લઈ પણ પારદર્શિતા આવશે. મુદ્દો ખૂબ સીધો અને સરળ છે. શું વક્ફનું જે ઉદ્દેશ સાથે નિર્માણ કરવામાં આવ્યું હતું તેનો ફાયદો તેમના સમુદાયને મળી રહ્યો છે? વક્ફ ધાર્મિક બોર્ડ નથી. તે એક કાનૂની અને બંધારણીય બોર્ડ છે. સંપત્તિ પણ તેમનો કોઈ અધિકાર નથી. વક્ફ બિલ મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવશે અને વિધવાઓ તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયના લોકોની મદદ કરશે.