વેનેઝુએલા સંકટ પર ભારતનું મહત્વનું નિવેદન: “પરિસ્થિતિ ચિંતાજનક છે, સંવાદ દ્વારા શાંતિપૂર્ણ સમાધાન લાવો”

લક્ઝમબર્ગ: વેનેઝુએલા પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાને લઈને સમગ્ર વિશ્વમાં તણાવનો માહોલ સર્જાયો છે. ચીન સહિતના ઘણા દેશોએ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. ભારતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે વેનેઝુએલામાં શાંતિ લાવવાની અપીલ કરી છે.
વેનેઝુએલાના ઘટનાક્રમથી અમે ચિંતિત છીએ
લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે તમામ પક્ષોને અપીલ કરી કે, તેઓ સાથે મળીને વેનેઝુએલાના લોકોના કલ્યાણ માટે એક સમાધાન પર પહોંચે. એસ. જયશંકરે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “અમે ગઈકાલે એક નિવેદન આપ્યું હતું. જેનો ટૂંકો સારાંશ એ થાય છે કે તાજેતરમાં થયેલા ઘટનાક્રમને લઈને અમે ચિંતિત છીએ, પરંતુ અમે આની સાથે જોડાયેલા દરેક પક્ષોને અપીલ કરીએ છીએ કે, તેઓ હવે બેસીને વેનેઝુએલાના લોકોની ભલાઈ અને સુરક્ષાના હિતમાં કોઈ સમાધાન શોધી કાઢે, કારણ કે આખરે આ જ અમારી ચિંતા છે.
વેનેઝુએલા સાથે અમારા સંબંધો સારા રહ્યા છે
એસ. જયશંકરે આગળ જણાવ્યું કે, અમે વેનેઝુએલાને એક દેશ તરીકે જોવા માંગીએ છીએ, જેની સાથે ઘણા વર્ષો સુધી અમારા સારા સંબંધો રહ્યા છે. તેથી અમે ઇચ્છીએ છીએ કે, ઘટનાક્રમ જે પણ રહ્યો હોય. ત્યાંના લોકો સલામત રહે.
શક્ય હશે એટલી મદદ કરવામાં આવશે
વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, વેનેઝુએલામાં હાલન ઘટનાક્રમ ઘણો ચિંતાજનક છે. અમે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. અમે દરેક સંબંધિત પક્ષોને શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સંવાદના માધ્યમથી શાંતિપૂર્ણ સમાધાન લાવવાનું આહ્વાન કરીએ છીએ. કરાકસ સ્થિત ભારતીય દૂતાવાસ ભારતીય સમુદાયોના સંપર્કમાં છે અને શક્ય હશે એટલી મદદ કરવામાં આવશે.
આ પણ વાંચો…વેનેઝુએલામાં સત્તા મેળવવા નોબેલ વિજેતા મારિયા મચાડો ટ્રમ્પને રિઝવવામાં વ્યસ્ત, કરી મોટી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અમેરિકન ફોર્સે ધરપકડ કરી છે અને તેઓને અમેરિકા લાવવામાં આવ્યા છે. અમેરિકામાં તેમના પર ડ્રગ્સની હેરાફેરી અને ગેરકાયદે હથિયારોને લઈને કેસ ચલાવવામાં આવશે.



