JF-17 એન્જિન વિવાદ: રશિયા-પાકિસ્તાન ડીલ મુદ્દે ભારતમાં રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસ સામસામે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

JF-17 એન્જિન વિવાદ: રશિયા-પાકિસ્તાન ડીલ મુદ્દે ભારતમાં રાજકારણ ગરમાયું, ભાજપ-કોંગ્રેસ સામસામે

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારત પર એવો આરોપ લાગ્યો હતો કે રશિયા પાસેથી તેલની ખરીદી કરી યુદ્ધ માટે ફન્ડિંગ કરી રહ્યું છે, પરંતુ આ ચર્ચા વચ્ચે રશિયા તરફથી પાકિસ્તાનને અદ્યતન ફાઇટર જેટ એન્જિન આપવાના અહેવાલને કારણે જોરદાર વિવાદ જાગ્યો છે.

રશિયા પાકિસ્તાનના JF-17 થંડર બ્લોકIII જેટ માટે RD-93MA એન્જિન સપ્લાય કરી રહ્યું છે. આવા સમાચારોએ ભારતના સુરક્ષા અને વિદેશી સંબંધો પર પ્રશ્નો ઊભા કર્યા છે, જેમાં વિપક્ષ અને સત્તાધારી પાર્ટી વચ્ચે આમનેસામને પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

આપણ વાંચો: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે પીએમ મોદીએ રશિયાનો પ્રવાસ રદ કર્યો, વિજય દિવસ પરેડમાં રહેવાના હતા હાજર…

કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા જયરામ રમેશે આ દાવાઓને આધારે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જો રશિયા, જે ભારતનો સૌથી વિશ્વસનીય રણનીતિક સાથી છે, તો પાકિસ્તાનને આવા અદ્યતન એન્જિન આપીને તે સરકારની વિદેશી નીતિની નિષ્ફળતા દર્શાવે છે.

જયરામ રમેશે S-400 મિસાઇલ સિસ્ટમ અને Su-57 સ્ટેલ્થ ફાઇટર જેવા સોદાઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા, જેમાં તેમણે સરકારની છબિ-કેન્દ્રિત કૂટનીતિને જવાબદાર ઠેરવી છે.

જેના જવાબામાં ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ કોંગ્રેસના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. તેમણે તેમના એક્સ પોસ્ટમાં જણાવ્યું કે રશિયાએ પાકિસ્તાનને એન્જિન આપવાના તમામ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

આપણ વાંચો: ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ, રશિયાને ભારતને સમજાવવા અપીલ કરી

માલવિયાએ કોંગ્રેસ પર અફવાઓ ફેલાવવાનો અને પાકિસ્તાન તરફી પ્રચારને આધારે રાજકારણ કરવાનો આરોપ મૂક્યો, જેને તેમણે દેશની સુરક્ષા માટે બેજવાબદારભર્યું વલણ તરીકે વર્ણવ્યું છે.

આ વિવાદનું મૂળ એક અજાણી વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં છે, જેમાં રશિયાની રોસોબોરોનેક્સપોર્ટ કંપની દ્વારા પાકિસ્તાનને RD-93MA એન્જિન આપવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જોકે, રશિયા તરફથી કોઈ આધિકારિક પુષ્ટિ નથી મળી, અને આને અફવા તરીકે જોવામાં આવી રહી છે. આવા વિવાદો ભારત-રશિયા સંબંધો પર અસર કરી શકે છે, પરંતુ તે રાજકીય પાર્ટી વચ્ચેના તણાવને વધુ તીવ્ર બનાવી રહ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button