ડૉલર સામે રૂપિયો 36 પૈસા ઉછળ્યો, વર્ષ 2025ની નુકસાની સરભર થઈ…

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 36 પૈસા ઉછળીને 85.62ની સપાટીએ બંધ રહ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે રૂપિયામાં 38 પૈસાની તેજી આવી હતી અને આજે સતત સાતમાં સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું. તેમ જ આ સાત સત્રમાં રૂપિયામાં 159 પૈસાનો સુધારો નોંધાવાની સાથે વર્ષ 2025માં અત્યાર સુધીમાં રૂપિયામાં થયેલું ધોવાણ સરભર થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 31મી ડિસેમ્બર, 2024ના રોજ ડૉલર સામે રૂપિયો 85.64ની સપાટીએ બંધ રહ્યો હતો.
આ પણ વાંચો:કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને ભેટ આપી, સાત વર્ષ બાદ પગાર ભથ્થામા મોટો વધારો
ચાલુ નાણાકીય વર્ષાન્તને ધ્યાનમાં લેતા આજે ડૉલરમાં નિકાસકારોની વેચવાલી રહેવા ઉપરાંત જાહેર ક્ષેત્રની બૅન્કો પણ નવી લેવાલીથી દૂર રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેક્સના અમલ પૂર્વે અમેરિકી પ્રતિનિધિની ભારતની મુલાકાતના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી ફંડોની લેવાલી રહી હોવાથી રૂપિયો વધુ મજબૂત થયો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.09 ટકા ઘટીને 103.99 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1078.87 પૉઈન્ટનો અને 307.95 પૉઈન્ટનો સુધારો તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 7470.36 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશોને કારણે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.54 ટકા વધીને બેરલદીઠ 72.55 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી સુધારો અમુક અંશે સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.