આરએસએસ વડા મોહન ભાગવતનું ઓપરેશન સિંદૂર પર નિવેદન, કહ્યું જરૂરી હતું, સેનાને અભિનંદન

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનના આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. તેની બાદ પાકિસ્તાને પણ ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. જેનો ભારતીય સેનાએ આક્રમક રીતે જવાબ આપ્યો છે. જેના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે તેઓ આ પરિસ્થિતિમાં સરકાર અને સશસ્ત્ર દળો સાથે ઉભા રહેશે.
ભારત સરકાર અને સશસ્ત્ર દળોના નેતૃત્વને હાર્દિક અભિનંદન
મોહન ભાગવતે X પરની એક પોસ્ટમાં કહ્યું, “ઓપરેશન સિંદૂર માટે ભારત સરકાર અને સશસ્ત્ર દળોના નેતૃત્વને હાર્દિક અભિનંદન. હિન્દુ યાત્રાળુઓના ક્રૂર હત્યાકાંડમાં પીડિત પરિવારો અને સમગ્ર દેશને ન્યાય અપાવવાની આ કાર્યવાહીએ સમગ્ર દેશનું આત્મસન્માન અને હિંમત વધારી છે. તેમણે વધુમાં કહ્યું, “અમે ભારતીય સરહદ પર ધાર્મિક સ્થળો અને નાગરિક વસાહત વિસ્તારો પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓની નિંદા કરીએ છીએ અને આ હુમલાઓનો ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ.
લોકોએ નાગરિક ફરજ બજાવતી વખતે સાવચેત રહેવું
આરએસએસ વડાએ કહ્યું, આ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તમામ દેશવાસીઓને સરકાર અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી તમામ માહિતીનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા અપીલ કરે છે. આ સાથે લોકોએ નાગરિક ફરજ બજાવતી વખતે સાવચેત રહેવું પડશે. તેમજ સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવાના રાષ્ટ્રવિરોધી તત્વોના કોઈપણ કાવતરાને સફળ ન થવા દઈએ.
રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા જાળવવા માટેના તમામ પ્રયાસોને મજબૂત બનાવે
મોહન ભાગવતે કહ્યું, “બધા દેશવાસીઓને વિનંતી છે કે તેઓ પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરે અને જરૂર હોય ત્યાં સેના અને નાગરિક વહીવટીતંત્રને શક્ય તમામ સહાય પૂરી પાડવા તૈયાર રહે. રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા જાળવવા માટેના તમામ પ્રયાસોને મજબૂત બનાવે.
આ પણ વાંચો…યુદ્ધને લઈને બાબા વાંગાની ભયાનક ભવિષ્યવાણી! જો સાચી પડી તો માનવજાત ખતરામાં…