75 વર્ષે નિવૃત્તિ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કરી સ્પષ્ટતા! ત્રણ બાળકોની વાત પણ દોહરાવી | મુંબઈ સમાચાર
નેશનલ

75 વર્ષે નિવૃત્તિ અંગે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કરી સ્પષ્ટતા! ત્રણ બાળકોની વાત પણ દોહરાવી

નાગપુરઃ સંઘ પ્રમુખ મોહન ભાગવતે અત્યારે કેટલાક મહત્વના મુદ્દાઓ પર પોતાનું સત્તાવાર નિવેદન આપ્યું છે. આરએસએસના 100 વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમના છેલ્લા દિવસે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વની વાત કરી છે. ચર્ચાઓ એવી થઈ હતી કે, બીજેપી અને સંઘની પરંપરા પ્રમાણે 75 વર્ષની ઉંમર પૂર્ણ થતા નેતા રાજનીતિમાંથી નિવૃત્ત થઈ જાય છે. જોકે, 75 વર્ષે નિવૃત્ત થવાની વાત પર મોહન ભાગવતે સ્પષ્ટ રીતે કહ્યું કે, મેં ક્યારેય એવું નથી કહ્યું કે, હું નિવૃત્ત થવાનો છું અથતા તો કોઈએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થવું જોઈએ, અમે એ જ કરીશું જે સંઘ કહેશે’. જેથી રાજનીતિમાંથી નિવૃત્ત થવાની વાતને મોહન ભાગવતે ફગાવી દીધી છે.

ભારતના લોકોએ ત્રણ બાળકોને જન્મ આપવો જોઈએઃ મોહન ભાગવત

સંઘ પ્રમુખ મોહન ભાગવતે એક બીજા મુદ્દા પર પણ પોતાનો વિચાર રજૂ કર્યો હતો. મોહન ભાગવતે કહ્યું કે, ભારતના લોકોએ ત્રણ બાળકોને જન્મ આપવો જોઈએ. જન્મદર ત્રણથી ઓછો થઈ રહ્યો હતો. ડૉક્ટર પણ કહે છે કે, ત્રણ સંતાન હોવા એ સારી વાત છે. ભારતના દરેક નાગિરકે એવું જોવું જોઈએ કે તેના ઘરમાં ત્રણ સંતાનો હોય. આનાથી વધારે આગળ ના વધવું જોઈએ’. બાળકોના જન્મદર સાથે સાથે મોહન ભાગવતે જનસંખ્યામાં જે અસમાનતા આવી છે તેના કારણોમાં ધર્માંતરણ અને ગેરકાયદેસર સ્થળાંતર જવાબદાર છે.

ધર્મ એ વ્યક્તિગત પસંદગીનો વિષય છેઃ સંઘ પ્રમુખ

મોહન ભાગવતે હિંદુ અને મુસ્લિમ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ મામલે પણ ખાસ વાત કરી હતી. કહ્યું કે, ‘હિંદુ મુસ્લિમ સંઘર્ષ ત્યારે જ ખતમ થશે જ્યારે બંને તરફ વિશ્વાસ હોવો જોઈએ કે, અમે એક જ છીએ પછી ભલે પૂજાની રીત અલગ હોય! વધુમાં કહ્યું કે, હિંદુ, હિંન્દવી અને ભારતીય આ દરેક એક જ છે’. સંઘ પ્રમુખનું કહેવું છે કે, ધર્મ એ વ્યક્તિગત પસંદગીનો વિષય છે, તેમાં કોઈ પણ પ્રકારની પ્રલોભન કે બળનો ઉપયોગ ન હોવો જોઈએ. જ્યારે બધા એક છે, તો હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કેમ કરવી, આપણે બધા ભારતીય છીએ’. ભારતમાં દરેક વ્યક્તિનો ધર્મ ભલે અલગ અલગ હોય પરંતુ તે એક ભારતીય છે તે મહત્વનું છે.

આપણી સંસ્કૃતિ અને આપણાં પૂર્વજો એક જ છેઃ મોહન ભાગવત

આ પ્રસંગે મોહન ભાગવતે ભારત અને પાકિસ્તાનના ભાગલા અંગે પણ વાત કરી હતી. કહ્યું કે, ચર્ચાઓ એવી થાય છે કે, આરએસએસએ ભારતના વિભાજનનો વિરોધ નહોતો કર્યો પરંતુ તે વાત ખોટી છે. અમે ભારતના વિભાજનનો વિરોધ કર્યો હતો. પરંતુ તે વખતે આરએસએસ એટલું મજબૂત નહોતું. અખંડ ભારત એ જીવનનું એક રહસ્ય છે. આપણે એ સમજવું પડશે કે આપણી સંસ્કૃતિ અને આપણાં પૂર્વજો એક જ છે. એટલું જ નહીં પરંતુ આરએસએસ ક્યારે હિંસામાં વિશ્વાસ નથી રાખતું તેમ પણ જણાવ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button