રોહિણી આચાર્યના અપમાનથી તેજ પ્રતાપ યાદવ લાલઘૂમ: “પિતા, તમે એક ઈશારો કરો…”

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનના પક્ષોનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું છે. એમાં પણ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની બેઠકો પાછલી વિધાનસભાની ચૂંટણી કરતાં પણ ઘટી ગઈ છે.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની આ કારમી હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં આંતરિક મતભેદો ચરમસીમાએ પહોંચી ગયા છે. લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ તેમના નાના ભાઈ તેજસ્વી યાદવ અને તેમના સહયોગીઓ સંજય યાદવ તથા રમીઝ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જેને લઈને હવે તેજ પ્રતાપ યાદવે પ્રતિક્રિયા આપી છે.
આપણ વાચો: ‘મને ચપ્પલથી મારવામાં આવી…’ લાલુ પરિવાર છોડ્યા બાદ રોહિણીના ગંભીર આરોપ
રોહિણી આચાર્યના ગંભીર આરોપ
સિંગાપોર સ્થિત રોહિણી આચાર્યએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે, “તેજસ્વીના કેટલાક સહયોગીઓ તેમના વિશે કહી રહ્યા છે કે, મેં મારા પિતાને ખરાબ કિડની આપી અને તેના બદલામાં કરોડો રૂપિયા અને પાર્ટી ટિકિટ મેળવી.” રોહિણીએ ભાવુક થઈને આગળ લખ્યું કે, “હું બધી પરિણીત દીકરીઓ અને બહેનોને કહેવા માંગુ છું કે, જો તમારા પરિવારમાં કોઈ દીકરો કે ભાઈ હોય, તો ભૂલથી પણ તમારા પિતાને બચાવશો નહીં, જે ભગવાન સમાન છે.
તમારા ભાઈ, તે પરિવારના દીકરાને, તેની કિડની અથવા તેના હરિયાણવી મિત્રમાંથી કોઈની કિડની દાન કરવા કહો.” રોહિણીએ આગળ દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે, “પિતાને બચાવવા માટે કિડની દાન કરતી વખતે મેં મારા પરિવાર કે સાસરિયાઓની પરવાનગી પણ લીધી નહોતી. કોઈ પણ ઘરમાં રોહિણી જેવી દીકરી ન હોય.”
આપણ વાચો: Bihar વિધાનસભામાં રાબડી દેવી પર પ્રહાર બાદ પુત્રી રોહિણીએ સીએમ નીતિશ કુમારને આપ્યો આ જવાબ…
મારા આત્મસન્માન સાથે સમાધાન કર્યું નથી
શનિવારે ફ્લાઇટ પકડતી વખતે રોહિણીએ જાહેરાત કરી કે તે હવે રાજકારણ છોડી રહી છે અને પરિવાર સાથેના સંબંધો પણ તોડી રહી છે. રોહિણીએ મીડિયાને જણાવ્યું હતું કે, “જ્યારે મેં પાર્ટીની હારની જવાબદારી લેવાની વાત કરી, ત્યારે મારી ઉપર ચપ્પલ ફેંકવામાં આવ્યા અને મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી.
ગઈકાલે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે હું ખરાબ છું… મેં મારા આત્મસન્માન સાથે સમાધાન કર્યું નથી, મેં સત્યનો ત્યાગ કર્યો નથી. ફક્ત આ જ કારણે મારે અપમાન સહન કરવું પડ્યું.
ગઈકાલે મજબૂરીના કારણે એક દીકરી પોતાના રડતા મા-બાપ અને બહેનોને એકલી મૂકીને આવી ગઈ, મને મારું પિયર છોડવા માટે મજબૂર કરવામાં આવી. મને અનાથ બનાવી દેવાઈ. તમે મારા રસ્તે ક્યારેય ન ચાલશો, કોઈ ઘરમાં રોહિણી જેવી દીકરી-બહેન પેદા ન થાય.”
તેજ પ્રતાપ યાદવની પ્રતિક્રિયા
રોહિણી આચાર્યના અપમાનથી લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ગુસ્સે ભરાયા હતા. તેમણે જનશક્તિ જનતા દળના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું કે, “હું આરજેડી રાષ્ટ્રીય અધ્યક્ષ અને મારા પિતા, મારા રાજકીય ગુરુ, લાલુ પ્રસાદજીને વિનંતી કરું છું – પિતા, મને સંકેત આપો… તમારા તરફથી ફક્ત એક ઈશારો થશે અને બિહારના લોકો આ જયચંદોને દફનાવી દેશે. આ લડાઈ કોઈ પક્ષ વિશે નથી; તે પરિવારના સન્માન, પુત્રીના ગૌરવ અને બિહારના આત્મસન્માન વિશે છે.”



