ભાજપનાં મહિલા નેતાની વિદેશી કોચને ધમકીઃ મહિનામાં હિંદી નહીં શીખો તો પાર્ક છિનવીને કાઢી મૂકીશ…

દિલ્હી: મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બહારના લોકોને સ્થાનિક ભાષા ફરજીયાત બોલવાના દબાણ મામલે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાઉન્સિલરે હિન્દી ભાષા અંગે વિવાદ છેડ્યો છે. પટપડગંજના ભાજપ કાઉન્સિલર, રેણુ ચૌધરીએ દક્ષિણ આફ્રિકાના એક ફૂટબોલ કોચને ઠપકો આપ્યો અને એક મહિનાની અંદર હિન્દી શીખવા, નહીં તો ભારત છોડવાની ધમકી આપી.
પહેલીવાર કાઉન્સિલર બનેલા રેણુ ચૌધરીએ પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે તેઓ પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલા એક ગાર્ડનમાં દક્ષિણ આફ્રિકા મૂળના ફૂટબોલ કોચને ઠપકો આપી રહ્યા છે અને તેઓ કોચને માત્ર મહિનાની અંદર હિન્દી શીખવા કહી રહ્યા છે. રેણુ ચૌધરીએ ધમકી આપી કે જો તે હિન્દી નહીં શીખે તો બાળકોને ટ્રેનીંગ આપવા માટે મ્યુનિસિપલ પાર્કનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે.
પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરેલા વિડીયોમાં રેણુ ચૌધરીએ કહેતા સંભળાય છે કે, ‘તમને હિન્દી કેમ નથી આવડતી? હિન્દી કેમ ન શીખ્યા? જો એક મહિનામાં હિન્દી શીખો, નહિ તો પાર્ક છીનવી લેવામાં આવશે. અહીની માતૃભાષા શીખવી પડશે. અહીંના પૈસા ખાઈ રહ્યા છો, તો મોઢેથી હિન્દી બોલતા શીખો.
રેણુ ચૌધરીએ કહ્યું કે 8 મહિના પહેલા પણ તેમને કહ્યું હતું, આજુ બાજુમાં રહેતા લોકોએ વિનંતી કરી હતી કે તેઓ બાળકોને ફૂટબોલ ટ્રેનીંગ આપે છે, મેં તેને છોડી દીધો હતો, પણ હવે એક મહિનામાં હિન્દી નહીં શીખે, તો આ પાર્ક નહીં મળે.
દક્ષિણ આફ્રિકન કોચ ગભરાટમાં:
કાઉન્સિલરે જાહેરમાં ધમકી આપતા દક્ષિણ આફ્રિકાના કોચ ડરી ગયા છે, સ્થાનિકોના જણવ્યા મુજબ તેઓ વર્ષોથી આજુબાજુમાં રહેતા ગરીબ વર્ગના બાળકોને ફૂટબોલની ટ્રેનીંગ આપે છે, હવે તેઓ ભારત છોડવા વિષે વિચારી રહ્યા છે.
અગ્રેજી ભાષાના એક અખબાર સાથે વાત કરતા દક્ષિણ આફ્રિકાન ફૂટબોલ કોચે જણાવ્યું કે તેઓ 12 વર્ષ પહેલા ફૂટબોલનું કોચિંગ આપવા ભારત આવ્યા હતાં. પહેલા તેઓ એક ફૂટબોલ એકેડેમી સાથે જોડાયા, કોવિડ-19 પાનડેમિક દરમિયાન એકેડેમી બંધ થઈ ગઈ, ત્યાર બાદ જાતે જ બાળકોને કોચિંગ આપવાનું શરૂ કર્યું. તે વંચિત બાળકોને કોચિંગ આપવાને પ્રાથમિકતા આપે છે.
ભાજપના કાઉન્સિલર તરફથી ચેતવણી બાદ તેમણે કહ્યું, “મને ડર લાગી રહ્યો છે. મારે ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકા પરત ફરવું પડશે. હું દર સીઝનમાં 40-45 બાળકોને તાલીમ આપું છું. બધું બરાબર ચાલી રહ્યું હતું.”
રેણું ચૌધરીની ટીકા:
સોશિયલ મીડિયા પર ભાજપના કાઉન્સિલર રેણું ચૌધરીની ટીકા થઇ રહી છે, રેણું ચૌધરીએ ખુલાસો કરતા કહ્યું કે MCD ની પરવાનગી વિના પાર્કનો ઉપયોગ કમર્શિયલ હેતુઓ માટે થઈ રહ્યો હતો. અમારા સ્ટાફે ઘણી વખત કોચ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ભાષા અવરોધ બની રહી હતી.



